ભારતના ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી સમય દરમિયાન જાહેર શાંતિ અને સલામતી જાળવવા પગલા લેવા જરુરી છે. જેમાં કોઈ પણ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જરુરી પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.
આગામી 7 મી મે 2024 ના રોજ લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે જિલ્લામાં જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ તુષાર સુમેરાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં ભરૂચ જિલ્લાના તમામ મહેસુલી વિસ્તારમાં છટાદાર ભાષણો આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાથી, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા પદાર્થ, અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની, અથવા તેનો ફેલાવો કરવાની અથવા આ બાબતે સક્ષમ સત્તાધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા તેનાથી રાષ્ટ્રની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવાની અથવા ચાળા કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની,દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો પર પ્રતિબંધ રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર છે. આ જાહેરનામા તા.6-6-24 સુધી અમલમાં રહેશે.