
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં ખેડૂત 5 હજારથી વધુ તાડફળી ઉતારી આર્થિક પગભર થયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં આવેલ 1 હજાર તાડના ઝાડ ઉપરથી એક દિવસમાં 5 હજાર તાડ ફળી ઉતારી ખેડૂત સારી આવક મેળવી રહ્યા છે.
તાડના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ, ગોવા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે. તો ઉનાળાના સમયે આવતી તાડફળીની ખેતી કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે.
જુના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં રહેતા ખેડૂત વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઇ બાપદાદાની ખેતી કરી રહ્યા છે. ખેડૂત છેલ્લા 10થી 15 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. જુના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ છે. તો આ ઝાડ કુદરતી રીતે જ ઊગ્યા છે અને આ તાડના ઝાડ વર્ષો જૂના છે.
એક દિવસમાં 5,000થી વધુ તાડફળીનો ઉતારો
ખેડૂત દિનેશભાઈ લક્ષ્મણભાઇ વસાવા મજૂરો મારફતે એક દિવસમાં 5,000થી વધુ તાડફળી ઉતારે છે. મજૂરી ખર્ચની વાત કરીએ તો તાડના ઝાડ પરથી તાડફળી ઉતારવા માટે એક દિવસના મજુરને 1000 રૂપિયા આપવા પડે છે. તો તેને કટીંગ કરીને કાઢવા માટે તેના 500 રૂપિયા આપવા પડે છે. જો કે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતને સારી આવક મળી રહે છે.
તાડફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા
આ વર્ષે તાડફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે તાડફળીનો માર્કેટ ભાવ 400 રૂપિયા મણનો હતો. જોકે આ વર્ષે માર્કેટમાં કેરી ઓછી જોવા મળતા માંગમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે તાડફળી માંગમાં વધારો નોંધાયો છે.
તાડફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા છે. જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે. દસ રૂપિયાની એક તાડફળી મળે છે, તો 100 રૂપિયાની 10 પણ વેચવામાં આવે છે. આ તાડફળીનું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે. તો સુરત સહિતના સ્થળોએથી મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે.
ઉનાળામાં તાડફળીનું સેવન ગુણકારી
તાડની શરૂઆત માર્ચ એન્ડિંગથી થાય છે અને જૂનની શરૂઆત સુધી હોય છે. ત્યારબાદ તે જાતે જ ખરવા લાગે છે અને ખાવા લાયક રહેતી નથી. તાડફળીનો સ્વાદ મીઠો હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી. તે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી થાય છે. ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશનની સહિતની સમસ્યાથી રાહત મેળવવા માટે તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.