અસ્મિતા વિકાસ કેન્દ્ર- ત્રાલસાના ટ્રસ્ટીગણ ધ્વારા દાંડીયાત્રિકોનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સમની થી દેરોલ સુધીની દાંડીયાત્રા દરમિયાન મહાત્મા ગાંધી અમર રહો,ભારત માતા કી જય,વંદે માતરમ જેવા નાદથી ગ્રામજનો દેશભકિતના રંગે રંગાયા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શુક્રવાર :- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા ચઉદમાં દિવસે ગાંધી આશ્રમ- સમની ખાતેથી વહેલી સવારે ખુશનુમાભર્યા વાતાવરણમાં નીકળેલી દાંડી યાત્રાનું રસ્તામાં આગેવાન પદાધિકારીશ્રીઓ – વહીવટીતંત્ર ધ્વારા સ્વાગત થતાં બપોરે અસ્મિતા વિકાસ કેન્દ્ર-ત્રાલસા ખાતે પહોંચી હતી. અસ્મિતા વિકાસ કેન્દ્ર –ત્રાલસાના ટ્રસ્ટીગણ,સંચાલક અને શાળા પરિવાર ધ્વારા દાંડીયાત્રિકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અસ્મિતા વિકાસ કેન્દ્ર-ત્રાલસા ખાતેથી શરૂ થયેલ દાંડીયાત્રા તેના નિર્ધારીત માર્ગ પર જેમ જેમ આગળ વધી રહી હતી તેમ માર્ગમાં આવતા ગામોમાં માર્ગની બંને બાજુ ગ્રામજનો ધ્વારા દાંડીયાત્રિકો પર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. નિર્ધારિત સમય મુજબ દાંડીયાત્રા દેરોલ બસ સ્ટેન્ડ પાસે આવી પહોંચતા ગામની બાલિકાઓ ધ્વારા કળશ અને શાળાના બાળકો, શિક્ષકો,ગામ આગેવાનો અને ગ્રામજનો ધ્વારા રસ્તાની બંને બાજુ ઉભા રહીને દાંડીયાત્રિકોનું ઢોલ નગારા સાથે પુષ્પવર્ષા કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમની થી દેરોલ સુધીની દાંડીયાત્રા દરમ્યાન મહાત્મા ગાંધી અમર રહો, ભારત માતા કી જય, વંદેમાતરમ જેવા નાદથી ગ્રામજનો દેશભકિતના રંગે રંગાયા હતા. રાત્રિ રોકાણ દરમ્યાન ડેરોલ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયો હતો.