
અંકલેશ્વરના સારંગપુરથી ગુમ થયેલા બે બાળકો પ્રતિન ચોકડી પરથી મળી આવ્યા હતા. તે બંને બાળકોને શહેર બી-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મિલન કરાવી આપ્યું હતું. સારંગપુરના જ બે અલગ અલગ વિસ્તારમાંથી બાળક ગુમ થયા હતા. બંને બાળકો રખડતા ભટકતા પ્રતિન ચોકડી પર પહોંચી ગયા હતા. અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં 9થી 10 વર્ષીય બે બાળક રઝળપાટ કરતા નજરે પડતા સ્થાનિક રીક્ષા ચાલકોએ અંકલેશ્વર બી-ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડરીયાને જાણ કરી હતી. જે અંગે જાણ થતા જ પોલીસ ટીમ બંને બાળકોને પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસે બાળકોને વિશ્વાસમાં લઇ તેની પૂછપરછ કરતા 10 વર્ષીય એક બાળકે પોતાનું નામ દિલખુશ જ્યારે બીજાએ પોતાનું નામ વિક્રમ જણાવ્યું હતું. આ બંને બાળકો પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિક અને ઝૂંપડપટ્ટી વિસ્તારના હોવાનું લાગતા પોલીસ સ્ટાફે નજીકની ઝૂંપડપટ્ટીમાં બાળકો સાથે રાઉન્ડઅપ શરુ કર્યું હતું જેમાં દિલખુશ ઉમેશ મંડલ સારંગપુર વિસ્તારના મંગલદીપ સોસાયટી પાસે પહોંચતા પોતાના ઘરના નજીકનો વિસ્તાર હોવાનું જણાવતા દિલખુશ ઉમેશકુમાર મંડલના પુત્ર હોવાનું સામે આવતા પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવી આપ્યું હતું. જ્યારે અન્ય બાળક વિક્રમ કુમાર લક્ષ્મણ નગર ખાતે રહેતા બ્રીભાષકુમાર મંડલના પુત્ર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેના પણ પરિવાર સાથે સુખદ મેળાપ કરાવી આપ્યો હતો.