ઉનાળાના પ્રારંભ સાથે જ ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે. જિલ્લામાં બપોર પડતા જ જાણે કે રસ્તાઓ સુમસામ થતા હોય તેવી સ્થિતીનું સર્જન થયું છે.
ભરૂચ જિલ્લામાં માર્ચના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જતાં શહેરીજનો આકરી ગરમીમાં શેકાઇ રહ્યા છે.ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જતાં શહેરીજનો ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગરમીના પ્રકોપથી બચવા લોકો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે શહેરમાં આવેલા શેરડી રસ ઘર સહિત ફાઉન્ટેન સોડાનું સેવન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.
તો બીજી તરફ ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો પોતાના શરીરને ઢાંકી જાહેર માર્ગો પર નીકળતા નજરે પડી રહ્યા છે. ત્યારે ગરમીના આ પ્રકોપમાં કયા પ્રકારની કાળજી રાખવી, શું ખાવું જોઈએ અને કઇ કઈ બાબતોનું પાલન કરવું જોઈએ તે અંગે મેડિકલ ઇન્સ્ટીટ્યુટ, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિસિન ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. દીપા થડાણીએ શહેરીજનોને ગરમીમાં મદદરૂપી સંદેશો આપ્યો હતો. જેમાં તેમણે ઉનાળાના આ ગરમીના દિવસોમાં વધુમાં વધુ પાણી પીવા, દહી-છાસનું સેવન કરવા, ગરમીમાં બહારથી ઘરે જઈ તુરંત ન નહાવા કે એસીમાં ન બેસવા જણાવ્યું હતું. ઉપરાંત આંખો તથા માથાના ભાગને પણ વિશેષરૂપે સાચવવા જણાવ્યું હતું.