સોશ્યલ મીડિયા ઉપર વિડીયો વાયરલ બનાવવા કરેલા કૃત્યમાં પોલીસે ધરપકડ કરતા જ કહ્યું સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરી દો
બે બાઇક, મોબાઈલ, હથિયારો સાથે ચારેય સામે ગુનો દાખલ
ભરૂચ પોલીસની નસીયત જાહેરમાં હથિયારો ધારણ કરી ભય ફેલાવવાનું આવું કૃત્ય કરશે તો કડકમાં કડક કાર્યવાહી
ભરૂચ તાલુકા પોલીસે વાયરલ જોખમી વિડીયોની તપાસ કરતા આ ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 ના કેબલ બ્રિજનો નહિ પરંતુ કુકરવાડા પાસેટ પસાર થતા નવા બનેલા એક્સપ્રેસ વે ના પ્રતિબંધિત 8 લેન કેબલબ્રિજનો હતો. ત્યાં ના કર્મચારીઓને વિડીયો બતાવી પોલીસે તપાસ કરતા 2 બાઇક ઉપર પ્રાણઘાતક હથિયારો સાથે જોખમી સ્ટંટ કરી ભયનો માહોલ ફેલાવનાર આ 4 યુવાનો અશોકા બિલ્ડકોન કંપનીના સિક્યોરિટી ગાર્ડ નિકળા હતા.
જેના આધારે ભરૂચ તાલુકા પોલીસે ભરૂચના સિતપોણના અસ્ફાક યાકુબ માલા, કંબોલીનો ફૈયાઝ હનીફ સિંધી, મુબારક સફીક સિંધી અને વરેડિયા ગામનો ઇર્ષાદ જુસબ સિંધીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ચારેય સિકિયોરિટીના જવાનોને જોખમી સ્ટંટ કરતા લોકઅપ ભેગા કરતા જ તેમની ભાઈગીરી નીકળી ગઈ હતી. અને ચારેય યુવાનો પોલીસને બે હાથ જોડી સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરી દો ની કાકલૂદી કરવા માંડ્યા હતા.
પોલીસે ચારેયને 2 બાઇક, ધારીયા, ફરસી, મોબાઈલ સાથે પકડી લઈ જાહેરમાં હથિયારોનું પ્રદર્શન, લોકોમાં ભય ફેલાવો, જીપી એક્ટ, મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ, પ્રીતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને પુરઝડપે સ્ટંટ તેમજ સોશ્યલ મીડિયા ઉપર તેને વાયરલ કરી અન્યને અનુકરણ કરવા પ્રેરી બીજાના જીવ પણ જોખમમાં નાખી શકે તે સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે.
ભરૂચ પોલીસે તમામને નસીયત પણ આપી છે કે જાહેરમાં હથિયારોના આવા પ્રદર્શન થકી જે કોઈ પણ ભય ફેલાવવાનું આવું કૃત્ય કરશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.