ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં હવા પ્રદૂષણે માઝા મૂકી હતી. રાજ્યની 6 ઔદ્યોગિક વસાહતોમાં અંકલેશ્વરની હવાની ગુણવત્તા સૌથી વધુ બગડી હતી. દિવાળીના તહેવારો, ખરાબ રસ્તા, વાહનોના ધુમાડા, ફટાકડા અને ઉદ્યોગોના લીધે અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા અત્યંત કથળી હતી. જીપીસીબી અને સીપીસીબીએ હવાની ગુણવત્તા જાણવા મુકેલા પોઈન્ટ ઉપર અંકલેશ્વરનો એર ક્વોલિટી ઇન્ડેકસ રાજ્યમાંથી સૌથી વધુ 287 એ પોહચી ગયો હતો.પ્રદુષણ નિયંત્રણ બોર્ડના 6 ઔદ્યોગિક વિસ્તારોમાં 16 સ્થળે હવાની નોંધાયેલી ગુણવત્તા પૈકી અંકલેશ્વરમાં સૌથી ઊંચું હવા પ્રદૂષણ રહ્યા બાદ અમદાવાદ 256 AQI સાથે બીજા નંબરે, વાપી 207 સાથે ત્રીજા સ્થાને, ગાંધીનગર 177 સાથે ચોથા સ્થાને અને વટવા 171 AQI સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. જ્યારે નંદેસરીમાં 73 AQI સાથે હવા પ્રદુષણનું પ્રમાણ નોંધાયું ન હતું.તહેવારોમાં હવા પ્રદૂષણનું મુખ્ય કારણ ફટાકડા કરતા પણ ખરાબ રસ્તા અને તેના કારણે ઊડતી ધૂળ વધુ કારણભૂત રહી હતી. ચોમાસામાં રાજ્યભરના રસ્તાઓને દુરસ્ત કરવામાં ન આવ્યા હોય વાહનો પસાર થતા ઊડતી ધૂળની રજકણો અને વાહનોના ધુમાડાના કારણે હવા પ્રદુષણનું પ્રમાણ વધ્યું હતું. સાથે જ ઔદ્યોગિક વસાહતોના ધુમાડો ઉમેરાતા હવાની ગુણવત્તા વધુ કથળેલી જોવા મળી રહી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં દિવાળીના તહેવારોમાં વાયુ પ્રદુષણે માઝા મૂકી, AQI 287 નોંધાયો…
Views: 89
Read Time:1 Minute, 52 Second