Read Time:5 Minute, 52 Second
0 0 0 0 0 0 0 0 0
૧૩૮૦ કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે : શ્રી નીતિન ગડકરી
0 0 0 0 0 0 0 0
0
ભરૂચઃ શુક્રવાર :- કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે ગુજરાતના ભરૂચમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (DME)ની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે તે સ્થળનું પણ નિરીક્ષણ કર્યું જ્યાં ફેબ્રુઆરી 2021માં એક દિવસમાં સૌથી ઝડપી માર્ગ નિર્માણનો વિશ્વ વિક્રમ રચાયો હતો.મંત્રીશ્રીએ સમીક્ષા બેઠક બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ૯૮૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થતો આ ૧૩૮૦ કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. તેનાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે જોડાણ વધશે. દિલ્લી – મુંબઈ મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય ૨૪ કલાકથી ઘટીને ૧૩ કલાક થઈ જશે. આ ઉપરાંત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના છ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત જેવી આર્થિક કેન્દ્રો સાથે જોડાણ સુધારવાની સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરનો ૮ લેનનો એક્સપ્રેસ-વે કુલ રૂ.૩૫૧૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી ૩૯૦ કિલોમીટરનો કોન્ટ્રાક્ટ પહેલેથી જ આપવામાં આવ્યો છે અને બાકીનું પેકેજ ટૂંક સમયમાં આપવામાં આવશે. દિલ્હી-વડોદરા વિભાગ અને વડોદરા-મુંબઈ વિભાગ રાજ્યમાંથી પસાર થશે. ગુજરાત દેશનું એક મોટું આર્થિક કેન્દ્ર છે અને દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડના નગરો અને શહેરોને જોડાણ પૂરું પાડવા માટે રાજ્યભરમાં અનેક આંતર -પરિવર્તનની યોજના બનાવવામાં આવી છે. આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે. ગુજરાત રાજ્યમાં ૬૦ મોટા પુલ, ૧૭ ઇન્ટરચેન્જ, ૧૭ ફ્લાયઓવર અને ૮ રેલ્વે ઓવરબ્રીજનું આયોજન કરવામાં આવ્યું છે.તેમણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે સમગ્ર એક્સપ્રેસ વેનો એક મોટો વિભાગ, વડોદરા-અંકલેશ્વરનો ૧૦૦ કિમીનો વિભાગ બાંધકામના અદ્યતન તબક્કામાં છે અને માર્ચ ૨૦૨૨ સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો લક્ષ્યાંક છે. માર્ચ ૨૦૨૩ સુધીમાં અંકલેશ્વરથી તલસારી સુધીનો બાકીનો વિભાગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ૨ કિલોમીટર લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ, એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ ૮-લેન પુલ હશે. આનાથી ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્ટરચેન્જ સાથે દેશમાં એક્સપ્રેસ વે વિકાસની ઓળખને નવી ગતિ મળશે. રાજ્યમાં રોજગારીની તકો ઉભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 33 રોડસાઇડ ફેસિલિટીઝ (WSAs) નું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેમણે જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની સાથે સાથે ગુજરાતમાં અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે બની રહ્યો છે, જે ૭૬૨ કિલોમીટરનો ૬ લેનનો એક્સપ્રેસ વે હશે. આ ૧૯૦૦૦ કરોડા રૂપિયાના ખર્ચે બનનાર આ એક્સપ્રેસ વેથી કંડલા પોર્ટનું મહત્વ વધી જશે. આ એક્સપ્રેસ વે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને જોડશે. જેમાં ગુજરાતમાં ૧૨૬ કિલોમીટરનો એક્સપ્રેસ વે બનશે. આવનારા દોઢ વર્ષમાં તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ત્રીજો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે ૩૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે, જે ૧૦૯ કિલોમીટર લાંબો હશે. જે ગુજરાત માટે ઘણો મહત્વનો છે. ગુજરાતમાં આશરે ૨૫૦૦૦ કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ યોજના બનાવી રહ્યા છીએ.કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાથે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચૂડાસમા અને NHAIના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.