
હાંસોટના ઇલાવ ગામમાં રહેતા ધનેશ અંબાલાલ પટેલે મામલતદારને આપેલી અરજીમાં જણાવ્યા મુજબ તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમનું ખેતર સુણેવ ખુર્દ ગામના સર્વે નંબર 797 અને 798માં આવેલું છે. તેમના ખેતરમાં જવાનો રસ્તો સાહોલ ગામના સર્વે નંબર 50 માંથી પસાર થાય છે. તેઓ વર્ષોથી ખેતરમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે પણ છેલ્લા એક સપ્તાહથી ઈશ્વર પટેલ નામના ખેડૂતે આ રસ્તો બંધ કરી દીધો છે તથા સિંચાઇના પાણી માટે બનાવેલી ફીલ્ડ ચેનલ પણ પુરી દેવામાં આવી છે.તેમના ખેતરમાં જવાના રસ્તા પર વર્ષો જુના વૃક્ષોનું છેદન કરી આડાશ મુકી દેવામાં આવી હોવાથી તેઓ એક સપ્તાહથી ખેતરમાં જઈ શકતા નથી. તેમના ખેતરમાં શેરડીનું વાવેતર કરેલું છે પણ રસ્તો તથા ફીલ્ડ ચેનલ બંધ થઇ જતાં પાક સામે ખતરો ઉભો થયો છે. આ બાબતે મામલતદાર કચેરી તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી અરજદાર ખેડુત ધનેશ પટેલે કરી છે.