ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું એના પરથી મળે છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે. ત્યારે કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું 77 કિલો હેરોઈન ઝડપ્યું છે અને 6 લોકોની ધરપકડ કરી છે.
‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ
કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતાં એમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં, જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની શખસની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઝડપાયેલા 6 લોકોની પૂછપરછ શરૂ કરાઈ
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખસોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે. તમામ પાસાઓને આવરી લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ઘણી વખત આ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યાં છે. અનેકવાર સામે પારથી દરિયાઈ પાણીમાં તણાઈને કેફી દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ આવતા હોય છે. ગુજરાતના દરિયાકાંઠેથી જાન્યુઆરી 2021માં 30 કિલો, એપ્રિલ 2021માં 30 કિલો, સપ્ટેમ્બર 2021માં 3,000 કિલોથી વધુ અને નવેમ્બર 2021માં 186 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું છે.
ડ્રગ્સમાફિયાઓ માટે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ‘ગેટવે ઓફ ગુજરાત’
સૌરાષ્ટ્રનો દરિયાકિનારો મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે. સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ડ્રગ્સ, હેરોઈન, ગાંજો, ચરસ અને હથિયારોની તસ્કરીનું એપી સેન્ટર ગણાવી શકાય તેમ છે, કારણ કે દેશમાં આંતકવાદી હુમલાઓ તથા ચરસ-ગાંજાની તસ્કરીની વાત કરવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ગુજરાત ATS દ્વારા દ્વારકાના દરિયાકિનારેથી હાલમાં જ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને એની કિંમત આશરે 15 કરોડ હતી. આ તમામ બાબતો સૌરાષ્ટ્રના દરિયાકિનારાને જોખમી બનાવી રહી છે. આ બાબતો ગુજરાત સરકાર માટે માથાના દુખાવા સમાન ગણાવી શકાય તેમ છે. ભારતમાં અને ગુજરાતમાં હથિયારો અને ડ્રગ્સને પ્રવેશ કરાbવા માટે તસ્કરો માટે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ગેટવે ઓફ ગુજરાતના નામે જાણીતો છે.