ટોકયો પેરાલિમ્પિક્સમાં – 2020 ટેબલ ટેનિસની સ્પર્ધામાં દેશનું ગૌરવ વધારનાર અને ઇતિહાસ રચનાર ગુજરાતી ખેલાડી શ્રીમતી ભાવિના પટેલને ગુજરાત રાજ્ય સરકાર તરફથી ત્રણ કરોડ રૂપિયાનો ચેક આપીને વિશેષ સન્માન કર્યું હતું. રમતગમત મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ તેમના ઘેર જઈને ભાવિના પટેલને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. અને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ખેલ પ્રતિભા એવોર્ડ અંતર્ગત જાહેર કરાયેલ રૂ. ૩ કરોડનો ચેક એનાયત કર્યો હતો. આ પ્રસંગે રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ” અમદાવાદની ગુજરાતની દીકરીએ ટેબલ ટેનિસની વિશેષ ટ્રેનિંગ લઇને સમગ્ર દુનિયાભરમાં આજે દેશનું નામ રોશન કર્યું છે અને ઇતિહાસ રચ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, કોઇ દિવ્યાંગ મહિલા ખેલાડીએ ટેબલ ટેનિસમાં મેડલ જીત્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે. મંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના સમયમાં પોતાના ઘરની અંદર જ ટેબલ ટેનિસની પ્રેકટિસ કરીને ટોક્યો પેરાઓલમ્પિકમાં જઈને દુનિયાભરમાંથી આવેલા ખેલાડીઓ સામે વિજય પ્રાપ્ત કરી આપણા દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. તે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે.’’ દિવ્યાંગ ખેલ પ્રતિભા એવોર્ડ અંતર્ગત જાહેર કરાયેલ રૂપિયા રૂ. ત્રણ કરોડના પુરસ્કારનો ચેક આજે રાજ્ય સરકાર વતી તેમને અર્પણ કરતા હું ગૌરવની લાગણી અનુભવું છું તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું..મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભાવિનાબેનની જેમ અનેક આવા ખેલાડીઓ છે જેઓ ગુજરાત અને દેશ માટે દુનિયાભરમાં યોજાતી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જાય છે, તેમને સરકાર દ્વારા વિશેષ પ્રોત્સાહન અપાશે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરી શકે અને દેશને અનેક મેડલ અપાવી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ‘ખેલ મહાકુંભ’નો આરંભ કરવામાં આવ્યો હતો તેના ફળ સ્વરૂપે આજે ગુજરાતનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છેઅત્રે ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ 2021 માં રમાયેલ પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં (ક્લાસ-૪) ફાઇનલ મેચમાં ગુજરાતની ટેબલ ટેનિસ સ્ટાર ભાવિના પટેલે ચીનના ખેલાડીને હરાવીને સિલ્વર મેડલ જીત્યો હતો અને રાજ્ય અને દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતુ કર્યું હતું. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ટેબલ ટેનીસ રમી રહ્યા છે. પેરા ટેબલ ટેનિસમાં ઇતિહાસ સર્જનાર ગુજરાતની દીકરી ભાવિના પટેલને તે સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે ‘’ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે, તેમનું જીવન પ્રેરણાદાયક છે.’’ આ પ્રસંગે ભાવિનાબેન પટેલે ટોકયોના પોતાના અનુભવો જણાવતા કહ્યું કે ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મને જે અવસર મળ્યો તે મારા માટે બહુ મોટી ગૌરવની ક્ષણ બની રહી. પ્રથમ વખત જ ભારત માટે ઇતિહાસ સર્જાયો કે ટેબલ ટેનિસની અંદર સિલ્વર મેડલ મહિલા તરીકે મને પ્રાપ્ત થયો. ભાવિનાબેન પટેલે કહ્યું કે, દરેક વ્યક્તિ અને ખેલાડીઓની અંદર કોઇને કોઇ ટેલેન્ટ હોય જ છે. એને ઓળખવાની અને સમજવાની જરૂર હોય છે. તેમણે ભાવિ રમતવીરોને પ્રેરણા આપતા કહ્યું કે, તમે જે ધ્યેય પર પહોચવા માંગો છો એ લક્ષ્ય પર પહોચવા માટે હંમેશા કટિબધ્ધ રહો. મહત્વની બાબત એ છે કે કોરોના કાળમાં બહાર જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હતી ત્યારે પરિવારજનોએ તેમની ટેબલ ટેનીસની પ્રેકટીસ ઘરમાં જ થઇ શકે તે માટે તેમના ઘરના જ એક રૂમને ટેબલ ટેનીસ રમી શકાય તે પ્રમાણે રુમ તૈયાર કરાયો હતો. જ્યાં તેમની સાથે ગેમ પાર્ટનર તરીકે ટ્રેનિંગ આપનાર શ્રી જશવંતભાઈ અને કોચ શ્રી લાલનભાઈ દોશી તેઓને ટોકયો પેરાલિમ્પિક માટે સતત પ્રોત્સાહિત કરતા રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી કિરીટ પરમાર તેમ જ યુવા અને રમતગમત વિભાગના અધિકારીગણ, અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, ખેલાડીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યાંગ ખેલ પ્રતિભા એવોર્ડ અંતર્ગતટોક્યો પૅરાલિમ્પિક વિજેતા ભાવિના પટેલનું રાજ્ય સરકાર દ્વ્રારા રૂ.૩ કરોડના રોકડ પુરસ્કારથી વિશેષ સન્માન…
Views: 83
Read Time:5 Minute, 48 Second