
ભરૂચના નેશનલ હાઇવે નં- 48 ઉપર આવેલા સરદાર બ્રિજ ઉપર કોઈને કોઈ કારણસર હંમેશા ટ્રાફિક જામના સર્જાતો હતો.જેના કારણે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ વધતા તેની સમાંતર સરકારે અંદાજિત 400 કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરીને લોકોની સુખાકારી માટે ખુલ્લો મુક્યો છે. જેના કારણે નાના વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હાઇવે ઉપર ટ્રાફિકનું ભારણ ઓછું થયું છે.પરંતુ નવા સરદાર બ્રિજ ઉપર ચોમાસાના પગલે ઠેર-ઠેર ગાબડાઓ પડવાના કારણે વાહનો ધીમા ચલાવવા પડે છે.જેના પગલે ઘણા દિવસોથી વડોદરાથી સુરત તરફના માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.પરંતુ બ્રિજ ઉપર પડેલા ગાબડાઓના કારણે વાહનો એટલી ધીમી ગતીએ ચાલે છે કે,તેનાથી નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય છે. વાહનોની લાંબી કતારોના કારણે વાહન ચાલકો ટોલ બુથ સુધીનો 20 મિનિટનો માર્ગ પસાર કરતા કલાકો લાગી રહ્યા છે.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠી રહ્યાં છે.ગાબડાઓના કારણે વાહનોને પણ નુકશાન થતું હોવાની અને અકસ્માતનો ભય સાથે વાહન ચાલકોના ઈંધણનો બગાડ થઈ રહ્યો છે.બીજી બાજુ સરકાર ટોલ ટેક્ષ ઉધરાવવા છતાં પણ આ માર્ગની યોગ્ય મરામત નહીં કરાવતી હોવાના કારણે વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.