ભરૂચ જિલ્લામાં આવતા 3 તાલુકાના 20 જેટલા ભાજપના આગેવાનો અને હોદ્દેદારોના રાજીનામા
બિટીપીમાંથી આવેલા પ્રકાશ દેસાઈ અને ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા BJP ના પાયાના આગેવાનોની અવહેલના કરતા હોવાનું દુઃખ
ઝઘડિયા MLA અને પ્રકાશ દેસાઈ જુના કાર્યકરોને દબાવવા BTP માંથી આવેલા લોકોનું સમર્થન કરતા હોવાનો આક્ષેપ.
લોકસભાની ચૂંટણી પેહલા જ ભરૂચ જિલ્લાના આદિવાસી ત્રણ તાલુકામાંથી ભાજપના પાયાના 20 આગેવાનો અને હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ CR પાટીલને ધરાર રાજીનામાં ધરી દીધા છે.
ભાજપે ઇતિહાસમાં પેહલી વખત આદિવાસી નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકા પંચાયત સાથે ભરૂચ જિલ્લા પંચાયત પણ પહેલીવાર કબ્જે કરી હતી. સાથે જ વિધાનસભા ચૂંટણીમાં પણ ઝઘડિયા બેઠક આંચકી લઈ ભગવો લહેરાવી દીધો હતો.સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણી પેહલા BTP માંથી છેડો ફાડી ભાજપમાં જોડાયેલા લોકો સામે જ BJP ના પાયાના જુના કાર્યકર્તાઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.બિટીપીમાંથી ભાજપમાં જોડાયેલા લોકોને ઝઘડિયાના MLA રીતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ સમર્થન આપી જુના કાર્યકરોને દબાવતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. જેના કારણે વિકાસ કામો, રોજગારી અને અન્ય ધંધા પણ જુના ભાજપના કાર્યકરો પાસેથી છીનવાઈ ગયા હોવાની કેફિયત વ્યક્ત કરાઈ છે.ઝઘડિયા ધારાસભ્ય અને પ્રકાશ દેસાઈ પણ બિટીપીમાંથી આવ્યા હોય અને બિટીપીમાંથી ભાજપમાં જોડાયેલા લોકોનું સમર્થન કરી ભાજપના જુના કાર્યકરોને અન્યાય અને અહિત કરાઈ રહ્યાંનો આક્ષેપ પણ કરાયો છે.જેને લઈ ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન સાથે સંકળાયેલા આદિવાસી 3 તાલુકાના 20 હોદેદારો અને આગેવાનોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને સાગમટે રાજીનામાં ધરી દીધા છે.