

અંકલેશ્વર-ભરૂચ રોડ પર રેલવે અને જુના ને.હા. 8 પર રોડની બીજી તરફ મગર દેખા દેતા લોક ટોળા જામ્યા હતા. મગરને જોવા લોકો વાહનો ઉભા કરી દેતા ટ્રાફિક જામ થયો હતો. બી-ડિવિઝન પોલીસના સ્ટાફે દરમિયાનગીરી કરી વાહન ચાલકો હટાવ્યા હતા. મહાકાય મગર કિનાર પર શિકારની ટાંકમાં આરામ ફરમાવતા જોવા લોકોના ટોળે વળ્યા હતા. અંકલેશ્વર-ભરૂચ વચ્ચે ભૂતમામાં ડેરી સામે ગંદા પાણીના તળાવ નજીક કિનારે મહાકાય મગર નજરે પડ્યો હતો. જેને પકડવા માટે વન વિભાગ મથામણ કરી રહ્યું છે. ત્યાં હવે રોડની બીજી તરફ રેલવે લાઈન અને રોડ વચ્ચે એકત્ર થયેલા વરસાદના પાણી પાસે સામ્રાજ્ય સોસાયટીથી થોડે આગળ પાલ્મ શોપિંગ સેન્ટર સામે ભરાયેલા પાણીમાં મગર કિનારે બેઠેલો નજરે પડ્યો હતો. આ મગર ત્યાંથી પસાર થતા વાહન ચાલકોની નજરે પડતા વાહન થોભાવી મગરને જોવા એકત્ર થયા હતા. વાહન ચાલકો મગરના ફોટો અને વીડિયો લેવામાં મશગુલ બન્યા હતા. મગર દર્શનની ધેલછામાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જેને લઇ શહેર બી-ડિવિઝન પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે વાહન ચાલકોને હટાવી માર્ગ હળવો કર્યો હતો. ઘટના અંગે વન વિભાગ અને જીવદયા પ્રેમીને થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ મગરને પકડવામાં માટે મારણ સાથે પાંજરા મુકવા માટેની કવાયત શરુ કરી હતી.