
ભરૂચ જિલ્લમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડના ખર્ચે વર્ષ 2011માં ખાતમુર્હત વિધિ યોજાઈ હતી. જેને 13 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય આજદિન સુધી પ્રવાસનધામ માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા વિકાસ વગર કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડયું છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરાય તેવી માંગ લોકો કરી રહ્યા છે.ભરૂચ જિલ્લાના ઐતિહાસિક કબીરવડ ખાતે 25 મે 2011ના રોજ રૂ.50 કરોડના ખર્ચે મેગા ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલોપમેન્ટ પ્રેયોજકટ હેઠળ કબીરવડ, અંગારેશ્વર અને શુકલતીર્થને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારના તે સમયના ટુરિઝમ મંત્રી સુબોધકાંત સહાય તથા ગુજરાત સરકારના ટુરિઝમ મંત્રી જયનારાયણ વ્યાસ સહિતના મંત્રીઓના હસ્તે તકતી લગાવી ખાતમુર્હત વિધિ કરાઈ હતી, પરંતુ ખાતમુર્હત વિધિ બાદ આજદિન સુધી ત્રણેય પ્રવાસનધામો 13 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત રહ્યા છે.અગાઉના વર્ષોમાં કબીરવડ ખાતે રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતાં હતાં અને ઉનાળા વેકેશનમાં તો રોજના સરેરાશ 7 હજારથી વધારે સહેલાણીઓ આવતાં હતાં પણ હવે રોજના 20 સહેલાણીઓ માંડ આવી રહ્યાં છે. કબીરવડ સહિતના પ્રવાસન સ્થળોએ નર્મદા નદીના છીછરા પાણીના કારણે એક સમયે રોજના હજારો પ્રવાસીઓ આવતાં હતાં, પરતું કબીરવડનો વિકાસ નહીં થતા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે પ્રવાસીઓ ઘટી રહ્યા છે. જેના કારણે અહીંયા વ્યવસાય કરતાં વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે.આ અંગે હોડીઘાટના સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે કબીરવડમાં ઉનાળામાં વેકેશનમાં હજારો પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ દરેક રાજ્યમાંથી આવતા હતા, પરતું અહીંયાની સુવિધાઓના અભાગે પ્રવાસીઓની સંખ્યા નહિવત બની છે. એક સમય એવો હતો કે અહીંયા સહેલાણીઓની સામે નાવડીઓ ઓછી પડતી હતી. હવે બોટ હોવા છતાંય સહેલાણીઓ આવતા નથી. આ એક ઐતિહાસિક સ્થળ હોવાથી સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તેના વિકાસ માટેની વહેલી તકે કાર્યવાહી કરાય તે જરૂરી છે.અહીંયા વ્યવસાય કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે અહીંયા આવતા હજારો પ્રવાસીઓના કારણે લોકોને જીવન નિર્વાહ માટે ઘણું ઉપયોગી બની રહેતું હતું. શનિ-રવિ અને ઉનાળા વેકેશનમાં અહીંયા ફરવા અને દર્શન માટે આવતા પ્રવાસીઓના કારણે અહીંયાના વેપારીઓનો સારો ધંધો થઈ જતો હતો, પરંતું હાલમાં અમારે માંડ 400 થી 500 રૂપિયાનો જ ધંધો થાય છે.પરિવાર સાથે કબીરવડ ખાતે ફરવા આવેલા અમદાવાદના હિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, કબીરવડ ઘણુ સારું સ્થળ છે પરંતુ અહીંયા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકો ઓછા આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમ છતાંય સરકાર દ્વારા યોગ્ય સુવિધાઓ ઉભી કરાય તો પ્રવાસીઓ વધારે આવી શકે છે.કબીરવડની સામે આવેલા મઢીના કબીર મંદિર ખાતેના મહંત રાજેન્દ્રદાસ ગુરુગોકળદાસે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નર્મદા નદીના કિનારે વસેલું કબીરવડ કબીરપંથીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સંત કબીરનું મંદિર અને પૌરાણિક વડલો અહીં આવેલા છે. નર્મદા નદીનો છીછરો અને રેતાળ પટ પ્રવાસીઓને આર્કષે છે. પરંતું અહીંયા આવતા સહેલાણીઓ માટે જમવા, રહેવા,લાઈટ અને બાથરૂમ, સફાઈ સહિતની કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ ન હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સરકાર દ્વારા વર્ષ 2011 માં ખાતમુહૂર્ત કર્યું તકતી લગાવી પણ આજદિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી. જેથી સરકાર વહેલી તકે આ કામગીરી કરાવે તેવી રજૂઆતો છે.અંગારેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ મહેશ પરમારે આ યોજના અંગે જણાવ્યું હતું કે, ભરૂચના જિલ્લામાં જેટલા કલેક્ટર આવ્યા એટલા કલેક્ટરો કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વર યાત્રાધામની મુલાકાત લેતા હોય છે. આ અંગે વહીવટી તંત્ર દ્વારા ટેન્ડરીંગ કરવામાં આવે છે, પરંતુ કોઈ કારણોસર કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વરનો વિકાસ આજદિન સુધી થયો નથી.આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, કબીરવડ સહિતના ત્રણ પ્રવાસના ધામના વિકાસ માટે જે તે સમયે સ્વ.અહેમદ પટેલે 50 કરોડની ફાળવણી કરી ખાતમુર્હત પણ કરાયું હતું. પરંતું ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આનો વિકાસ કરવા માંગતી નથી. અહીંયા એક કબીરવડ અને કબીરપંથી સ્થળ છે જેનો ખરેખર વિકાસ થવો જોઈએ તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી જુઠું બોલવામાં માહિર છે. આ વિકાસ તેમણે રોકી રાખ્યો છે. ભાજપ સરકાર કબીરવડની જાળવણી કરવામાં નિષ્ફળ નિવળી છે. જેના કારણે કબીરવડ આજે વિકાસથી વંચિત બન્યું છે.