.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તબક્કે ગામડાઓમાં ચિંતાજનક રીતે વધી રહેલા કેસો પણ હવે ઘટી ગયા છે. જેની સામે રિકવરી રેટ વધી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ 723 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 1043 લોકોએ કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.બીજી તરફ સ્પેશિયલ કોવિડ સ્મશાન ગૃહમાં પણ મૃતદેહો એક તબક્કે 45-50ની વચ્ચે આવતા હતા જેમાં ઘટાડો થઈને 9-10 પર આવી ગયા છે. જેથી જિલ્લામાં મૃત્યુદરમાં પણ 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જિલ્લામાં હાલ 1500 એક્ટિવ કેસ છે. જિલ્લામાં કોરોનાની સેકંડ વેવ હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. બીજી તરફ મ્યુકરમાઈકોસિસના કેસો જિલ્લામાં નોંધાતા ફરીથી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.ભરૂચ જિલ્લામાં અગાઉ પોઝિટિવ કેસોની સંખ્યા ૩ આંકડામાં આવતી હતી. જે ઘટીને હવે 2 આંકડામાં આવી ગઈ છે. જોકે જિલ્લામાં અત્યાર સુધીના કુલ સંક્રમિતોનો આંકડો દસ હજારની નજીક આંબી ગયો છે. જ્યારે જિલ્લાનો સરકારી ચોપડે નંધાયેલો સત્તાવાર મૃત્યુ આંક હજી માત્ર 108 નોંધાયો છે. છેલ્લા ૩ દિવસની વાત કરીએ તો 23 મે ના રોજ 82 કેસની સામે 125 લોકો સાજા થયા, 24 મે ના રોજ 81 કેસ સામે 122 લોકો સાજા થયા હતા.