PSI વૈશાલી બેનની પ્રેરણાદાયક કહાની. જીવનમાં ક્યારેય હાર માનશો નહીં.
વિષમ પરિસ્થિતિને માત આપીને વૈશાલી બેન કેવી રીતે બન્યા PSI ?
માતા રાધા બેને પેટે-પાટા બાંધીને વૈશાલી બેનને બનાવ્યા PSI
ભારતીય સંસ્કૃતિનાં ઈતિહાસ પર એક નજર મારીશું તો સચોટ અંદાજ આવશે કે, આ ભારતના હજારો નર વીરોના રક્તનું સિંચન કરનારી અને પુણ્યભૂમિ બનાવનારી કોઈ શક્તિ હોય તો તે નારી શક્તિ છે.
દસ-દસ અવતારોથી જે ધરતીને સુસજ્જ બનાવી હોય અને સર્વોચ્ચ શિખર ‘જગદગુરુ’નું સ્થાન અપાવ્યું હોય એ ધરાની માતાઓ કેટલી સશક્ત હશે..!
કહેવત છે ને કે, “દરેક સફળ પુરુષની પાછળ એક સન્નારીનો હાથ હોય છે.” પોતાનો ચહેરો પોતાના પુત્ર, પતિ કે પિતાની સફળતાની પાછળ છુપાઈને યશ હમેશા બીજાને અર્પણ કરે છે, તેથી આ દેશની નારી ધન્ય છે. આજે આપણે એક નહીં પરંતુ 2 એવી શક્તિશાળી મહિલાઓ વિશે વાત કરીશું, કે જેઓ જીવનની અઘરી કસોટીઓ સામે હાર માનવાની જગ્યાએ લડત આપીને પોતાના પરીવારને સમાજમાં પુન:સ્થાપિત કર્યું હતું. આપણે જોઈએ છીએ કે,ઘણી વખત વિષમ પરિસ્થિતિ ના લીધે લોકો પોતાના પરીવાર સાથે સામુહિક આત્મહત્યા કરી લેતા હોય છે પણ આત્મહત્યા કરવી એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. પરંતુ નારી પોતાના છેલ્લા શ્વાસ સુધી લડતી રહે છે, તે ક્યારેય હાર માનતી નથી. આજની આપણી હિરો PSI વૈશાલી બેન છે. પોલીસ ખાતામાં જોડાયા તે પહેલા વૈશાલી બેન પોતાના જીવનની વિષમ પરિસ્થિતિઓની સામે લડી રહ્યા હતા. પણ આપણે તેમની વાત કરીએ તે પહેલા વૈશાલી બેનના માતા રાધા બેનની વાત કરવી અત્યંત જરૂરી છે. કેમ કે તેઓ એક લડાયક નારી છે અને આ કહાનીમાં તેઓ લીડ રોલમાં છે. તેમણે જીવનના સંઘર્ષો સામે લડાઈઓ આપીને પોતાના દિકરા-દિકરીઓને પગભર કરીને સારી પોસ્ટ ઉપર લાવ્યા હતા. દેવભૂમિ દ્વારકાના દાત્રાણા ગામમાં એક નાનું એવું આહિર પરિવાર એકસાથે ખુશીથી રહેતું હતું. પરંતુ અચાનક જ આ પરિવારને કોઈની નજર લાગી ગઈ અને જીવનની આંટીઘૂંટીઓ શરૂ થઈ ગઈ હતી. આ પરિવારના બે પાત્રો એવા રાધાબેન અને વૈશાલી બેનની જીવન સાથે સંઘર્ષની કહાની ખુબ જ રોમાંચક છે. તો આવો જાણીએ તેમની પ્રેરણાદાયક અને આંખમાં આંસુ લાવી દે તેવી કહાની… રાધાબેનને 3 સંતાનો હતો. જેમાં 1 પુત્ર અને 2 દિકરીઓ હતી. જ્યારે વૈશાલી બેન માત્ર અઢી વર્ષના હતા, ત્યારે રાધા બેને તેમના પતિ અરશી ભાઈ આહિરને ગુમાવ્યા હતા. જ્યારે પરીવાર પર પિતાની છત્રછાયા હતી, ત્યારે જીવન ખુબ જ આલિશાન હતું. પરંતુ રાધાબેનના પતિના મૃત્યુ પછી તેમની આર્થિક પરિસ્થિતિ પ્રતિદિવસ ખરાબ થતિ ગઈ હતી.જણાવી દઇએ કે, અરશીભાઈનું જીવન જાહોજલાલીવાળું રહ્યું હતું. 1986માં અરશીભાઇનું મર્ડર થયું તે પહેલા તેઓ પોતાના પરીવાર સાથે અમદાવાદ ખાતે રહેતા હતા. તેમનું મૂળ વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાનું દાત્રાણા ગામ તાલુકો ખંભાળિયા હતું. અરશીભાઇ લાકડાનું પીઠું ચાલવતા હતા. તે ઉપરાંત ગજાનંદ નામની ટ્રાન્સપોર્ટ કંપની પણ હતી. અરશી ભાઈ એટલા શોખીન હતા કે તેમના પાસે તે સમયે એમ્બેસેડર કાર અને ઘરમાં ટેલિફોન હતો. પરંતુ અરશી ભાઈના મૃત્યુ પછી તેમના જ ઘર પરિવારના માણસે બધુ જૂગારમાં ઉડાવી દીધું હતું. તે પછી રાધા બેન પાસે આજીવિકાનું કોઈ જ સાધન રહ્યું ન હતું. અરશીભાઈના મૃત્યુ પછી રાધા બેનને 3 સંતાનોને ઉછેરવા માટે મુશ્કેલીઓ પડવા લાગી હતી. કેમ કે, જ્યારે પોતીકાઓ જ દુશ્મન બની બેસે તો એકલી મહિલા શું કરી શકવાની છે ? તેથી રાધા બેનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જ ગઈ હતી. રાધાબેન ઘણી વખત તો વ્યાજવા પૈસા લાવીને પોતાના બાળકોનું પેટ ભરતા હતા. પરંતુ તેમને પાછળથી વ્યાજખોરોના અસહ્ય ત્રાસનો સામનો પણ કરવો પડતો હતો. અડધી-અડધી રાત્રે વ્યાજખોરો રાધાબેનનું ઘર ખખડાવીને ગાળો ભાંડતા હતા. આ બધી પીડા રાધા બેનની સાથે તેમના ત્રણ સંતાનોને પણ ભોગવવી પડતી હતી. પતિ અરશીભાઈના મોત પછી રાધાબેનની ખરી કસોટી શરૂ થઈ ગઈ હતી. કેમ કે 3 સંતાનોને મોટા કરવા કંઈ નાની-સૂની વાત નતી. પરંતુ રાધાબેને જીવન સામે હાર માનવાની જગ્યાએ લડત લડવાનું મન બનાવી લીધું હતું. બાળકોને ભણાવવા માટે નાના-મોટા કામ કરવા સહિત પોતાના જ પરીવારના લોકો સામે કાયદાકિય લડાઇ પણ લડી રહ્યા હતા. આ દરમિયાન બાળકોને 2 ટાઈમની રોટી પૂરી પાડવી એ પણ રાધાબેનનાં માટે અઘરી હતી. પરંતુ ભગવાન કોઈને ને કોઈને દેવદૂત બનીને મોકલતાજ હોય છે. અરશીભાઈના એક મિત્રએ રાધા બેને ભાઈ બનાવ્યા હતા. અને ખરાબ અને કપરા સમયમાં તેમણે રાધાબેન ને ઘણી બધી મદદ કરી હતી. કાયદાકીય લડાઈ લડવામાં પણ તેમના તે ભાઈએ ખુબ જ મદદ કરી હોવાનું વૈશાલી બેન જણાવે છે. જ્યારે કપરા સમયમાં ભરણપોષણ કરવાની મુશ્કેલી હોવા છતાં રાધાબેને ત્રણેય સંતાનોનું અભ્યાસ પણ બંધ કરાવ્યું ન હતું. તેમના અનેક બલિદાનોનું પરિણામ છે કે, આજે વૈશાલી બેન સમાજ આખાની સેવા કરવા માટે પોલીસ ખાતામાં જોડાઇ શક્યા છે. આ આખા સમયગાળા દરમિયાન રાધા બેનના તમામ પડકારોને શબ્દોમાં વર્ણવા મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. હવે આપણે વાત કરીએ આપણા અન્ય બીજા હિરો એવા વૈશાલી બેન PSI અંગે… તમને ખયાલ આવી ગયો હશે કે, વૈશાલીબેન પોતાના પિતાના પ્રેમથી વંચિત રહી ગયા છે. જીવનમાં બાળકો માટે કોઈ સૌથી મોટો સુખ હોય તો તે છે પિતાનો પ્રેમ. અને તેમની છત્રછાયા. પરંતુ આપણા હિરો વૈશાલીબેન ને તે મળી શક્યું ન હતું. તેઓ માત્ર અઢી વર્ષના કુમળા બાળક હતા અને અણસમજુ હતા ત્યારે જ પિતા તેમને એકલા મૂકીને દુનિયાને અલવિદા કહી ગયા હતા.પિતાના મૃત્યુ પછી વૈશાલીબેનની બધી જ જવાબદારી માતા ઉપર આવી પડી હતી. PSI વૈશાલીબેન આહીરનું પ્રાથમિક શિક્ષણ શારદા વિદ્યામંદિર નવરંગપુરા ખાતેથી થયેલ છે. તેમનું માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગાંધીનગર ખાતે આર.જી.પટેલ હાઈસ્કુલ ખાતે થયેલ છે. કોલેજ તથા એમ.એ બી.એડનો અભ્યાસ કડી વિશ્વ યુનિવર્સિટી ગાંધીનગર ખાતેથી કર્યું હતુ. ઉલ્લેખનિય છે કે, આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે વૈશાલીબેનને અભ્યાસ કરવા દરમિયાન પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તમામ મુશ્કેલીઓનો સામનો કરીને પણ વૈશાલી બેને પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. આ વચ્ચે પોતાનો ખર્ચ પૂરો કરવા માટે નાની-મોટી નોકરીઓ પણ કરી હતી. પરંતુ જીવનની વિષમ પરિસ્થિતિ સામે હારવાની જગ્યાએ તેમને પણ લડવાનું ચાલું રાખ્યું હતું. મહત્વપૂર્ણ બાબત એ છે કે, વૈશાલીબેન બાળપણથી જ ભણવામાં હોશિયાર હોવાના કારણે તેઓ એમ.એ.બી.એડ સુધીનો અભ્યાસ કરી શક્યા હતા. આ દરમિયાન તેમનો મેન વિષય અંગ્રેજી હોવાના કારણે તેમને નોકરીની અનેક તકો મળી હતી. પરંતુ આહિર સમાજમાં નોકરીનું ચલણ ન હોવાના કારણે તેમને નોકરી લેવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ તેમના ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તેમને નોકરી લેવા સીવાય બીજો કોઈ વિકલ્પ પણ નહતો. એમ.એ. બી.એડ. કર્યા પછી તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ધીમે-ધીમે શરૂ કરી દીધી હતી. પરંતુ જણાવી દઇએ કે, વૈશાલી બેને એમ.એ.બી.એડ. તે શરત સાથે જ કર્યું હતુ કે, નોકરી આવશે તો પણ તે લેશે નહીં. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં પણ આહિર સમાજમાં દિકરીઓને ભણાવવાનું ચલણ ખુબ જ ઓછું જોવા મળી રહ્યુ છે. પરંતુ ધીમે-ધીમે તે પરિસ્થિતિ સુધારા તરફ પ્રયાણ કરતી જોવા મળી રહી છે. ભણવામાં તેજસ્વી હોવાના કારણે વૈશાલી બેનને તેમની જ કોલેજ ઉમા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રિન્સિપાલે તેમને હેડ ફેક્લટી તરીકે નોકરીની ઓફર આપી હતી. આ નોકરી વૈશાલીએ તેમની માતાને ટેકો થઈ રહે તેવા ઉદ્દેશ્યથી સ્વીકારી લીધી હતી. આ તેમની પ્રથમ નોકરી હતી. તે દરમિયાન તેમની સાથે નોકરી કરતાં અન્ય શિક્ષકોની તેમની હોશિયારીને જોતા સલાહ આપી હતી કે તમારે વધારે તૈયારી કરીને સરકારી નોકરી લેવી જોઈએ. તે પછી તેમણે ટાટની પરીક્ષા પાસ કરીને રાજકોટ ખાતે માધ્યમિક શાળામાં અઢી વર્ષ સુધી શિક્ષિકા તરીકે સેવા આપી હતી. તે પછી તેઓ રેવન્યૂ તલાટીની પરીક્ષામાં પણ ઉતિર્ણ થયા હતા. તેથી વૈશાલી બેને રાજકોટ ખાતે ચાલી રહેલી તેમની શિક્ષિકાની નોકરીમાં રાજીનામું આપી દીધું હતું. પરંતુ બન્યું એવું કે સરકાર દ્વારા રેવન્યૂ તલાટીની પરીક્ષાને રદ્દ બાતલ કરી દીધી હતી. તેથી એક વખત ફરીથી વૈશાલી બેનની મુશ્કેલીઓ વધી ગઈ હતી. પરંતુ વૈશાલી બેન પણ તેમની માતાની જેમ હાર માને તેવા ન હતા. તે સમયે PSI ની ભરતી પડી હતી. તો વૈશાલી બેને જરાપણ સમય બગાડ્યા વગર PSI ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સવારે શારીરિક કસોટીની તૈયારી કરવાની સાથે તમાંમ તૈયારીઓ પાછળ પોતાનો પૂરતો સમય આપવા લાગ્યા હતા. તેજસ્વી વૈશાલીબેને PSI ની પરીક્ષાને પ્રથમ પ્રયાસમાં જ એક જ ટ્રાયે પાસ કરી નાંખી હતી.તેમાંય ગુજરાત આખામાં OBC કેટગરીમાં પ્રથમ આવ્યા હતા, તો સામાન્ય કેટેગરીમાં 14 માં ક્રમે આવ્યા હતા.
હવે આપણે વૈશાલ બેનના મોઢે કેટલાક પ્રશ્નોતરીના રૂપમાં અન્ય કેટલીક વિગતવાર માહિતી જાણીશું…
વૈશાલી બેનને ટ્રાવેલિંગ અને હોર્સ રાઇડિંગનો શોખ છે. તેઓ હિરો અને રોલ મોડલ તરીકે તેમની માતા રાધાબેનને ગણાવે છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ક્યારે અને કઈ તારીખે જોડાયા ? હું 01/02/2016 ના રોજ ડાયરેક્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરીને પોલીસ ખાતામાં જોડાઇ હતી. જીવનની કોઈ યાદગાર ક્ષણ વિશે જણાવતા PSI વી.એ.આહિર જણાવે છે કે, મારી જીવનની યાદગાર અને સુખદ ક્ષણ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું રીઝલ્ટ આવ્યું તે છે. તેઓ સારા રેન્ક સાથે પ્રથમ પ્રયાસમાં જ ઉર્તિણ થયેલ તેને જીવનની સુખદ અને યાદગાર ક્ષણ ગણાવે છે. PSI ના પરીક્ષાના રીઝલ્ટ સીવાયની બીજી કોઈ જીવનની એવી યાદગાર ક્ષણ કે જે તમે જીવનમાં કદી પણ ભુલાવી શકતા ન હોય. ? આ ક્ષણની વાત કરતા PSI વી.એ.આહીરની આંખો ભરાઈ આવે છે અને જણાવે છે કે હું માત્ર અઢી વર્ષની ઉંમરની હતી ત્યારે મેં મારા પિતાજીને ખોઈ દીધેલ હતા તે સમયે હું બહુ નાની હોવાથી તે દુઃખદ પ્રસંગ મને યાદ નથી. પરંતુ પેટે પાટા બાંધીને અને અનેક દુઃખ અને અનેક મુસીબતો નો સામનો કરીને મારી સાથે મારા ભાઈ બહેનોને મોટા કરી ભણાવી ગણાવીને પોતાના પગ ઉપર ઉભા રહી શકે તેવા પગભર બનાવનાર મારી માતા તારીખ: 28/08/2019 ના રોજ દેવલોક પામ્યા તે ક્ષણ મારા જીવનની ખૂબ જ દુઃખ દાયક ક્ષણ છે, જે હું મારા જીવન દરમિયાન ક્યારેય પણ ભૂલી શકું તેમ નથી. મારી મમ્મી જેને હું મારી રોલ મોડેલ ગણું છું, તેમને ગુમાવીને આજે હું બિલકુલ એકલી પડી ગયેલ છું.
જીવન સંઘર્ષ વિશે જણાવતા વૈશાલી બેન જણાવે છે કે, બાળપણમાં મારા પિતાજી દેવલોક પામે ગયેલ હોવાથી અમારૂ લાલન પાલન મારા મમ્મી કરતા હતા.અને જીવનમાં કંઈક કરી છૂટવાની ઝંખના બચપણથી જ હતી તેથી મારા જીવનનો જીવન સંઘર્ષ જે કહી શકાય તે ચોક્કસ ફક્ત અને ફક્ત ભણતર પાછળ જ હતો.
પોલીસ ફરજ દરમિયાન કોઈ એવી કામગીરી જે તમને ગર્વ અપાવતી હોય ? સાલ 2019 માં એક પરિણીત મહિલાએ પોતાના જ ઘરમાં પંખા સાથે દોરડું બાંધીને આત્મહત્યા કરી દીધેલ હતી અને તે સમયે તે ઘરમાં તેના પતિ પણ હાજર હતા તેના પતિ અને સાસરી પક્ષના લોકોનું એક જ રટણ હતું કે આ અમારા દિકરાની વહુએ આત્મહત્યા કરી લીધેલ છે. પણ મરણ જનાર મહિલાના માતા પિતા અને ઘરવાળાઓના કહ્યા મુજબ મહિલાના પતિનો અન્ય કોઈ બીજી જગ્યાએ અફેર હોવાથી ઘરમાં કંકાસના કારણે તેણે આત્મહત્યા કરી લીધેલ હતી. તે બાબતે યોગ્ય પુરાવાઓ એકઠા કરીને તેના પતિ સાથે જે પણ કસૂરવારો હતા તેમને સજા અપાવેલ અને મરણ જનાર મહિલાને ન્યાય અપાવેલ તે બાબતનું આજે પણ ગર્વ છે. પોલીસ સર્વિસ દરમિયાન કોઈપણ જાતની તકલીફો પડેલ હોય તો તે તકલીફો જણાવો ? PSI વી.એ. આહિર જણાવે છે કે પોલીસ સર્વિસ દરમિયાન કોઈપણ જાતની તકલીફ પડેલ નથી અને સર્વિસની સફર શાનદાર રીતે ચાલી રહેલ છે.
પિતાજીનું અવસાન ક્યારે અને કેવી રીતે થયેલ ? PSI વી.એ.આહિર જણાવે છે કે હું માત્ર અઢી વર્ષની હતી અને ભાઈ માત્ર પાંચ વર્ષના હતા અને સૌથી મોટા બહેન ધોરણ 7 માં અભ્યાસ કરતા હતા. મારા મમ્મીના કહેવા મુજબ અમારૂ ઘર ખૂબ જ સુખી અને સંપન્ન હતું તે જમાનામાં અમારા ઘરે તે જમાનાની શાન કહેવાતી એમ્બેસેડર બબ્બે ગાડીઓ હતી. ટ્રાન્સપોર્ટનો ધંધો પણ ખૂબ જ સારો હતો.
લાકડાનો ધંધો પણ ખૂબ જ સારો હતો. મારા પપ્પાને લાકડાનું ખૂબ જ મોટું પીઠું હતું, પણ જ્યારે મારા પપ્પાની સાથે ધંધાર્થે ગયેલ અમારા જ કુટુંબીજન કે જેઓ અઢળક પૈસો દેખીને દાનત બગાડીને મારા પિતાને ઠંડા પીણા સાથે બેહોશ કરવાની દવા પીવડાવીને ટ્રેક્ટરથી કચડીને હત્યા કરીને તે હત્યાને અકસ્માતમાં ખપાવી દીધુ હતુ.
આમ પિતાના મોત પછી થયેલા સંઘર્ષ સાંમે ઝઝૂમીને જીવનની મુશ્કેલીઓને માત આપીને વૈશાલી બેન અત્યારે PSI તરીકે પોલીસ બેડામાં ફરજ બજાવી રહ્યા છે. આમ સંઘર્ષનો ફળ મળે જ છે, તે વૈશાલીબેને સાબિત કરીને બતાવ્યું છે. વૈશાલીબેન અને રાધાબેનનું જીવન પ્રેરણાદાયક છે. તેમના જીવનમાંથી ઘણું બધુ શીખવા જેવું છે. પ્રથમ શિખામણ તો તે જ છે કે ક્યારેય હાર માનવી નહીં. આમ વાંચકોને પણ વૈશાલી બેનના જીવનમાંથી પ્રેરણા લઈને જીવન જીવવામાં સફળતા મેળવવી જોઈએ આમ PSI વૈશાલીબેન આહીર નું કઠિન અને ખૂબ જ પ્રેરણાદાયી જીવનને જીઓ ગુજરાત ન્યુઝ પરિવાર વંદન કરે છે અને દેવલોક પામેલા તેમના માતા-પિતાને પણ હજારોવંદન કરે છે…