ભરૂચમાં કાર્યરત કલરવ શાળા દ્વારા મનો દિવ્યાંગ બાળકો પાસે રક્ષાબંધનને અનુલક્ષીને રાખડીઓ તૈયાર કરવામા આવી છે. દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામા આવેલી રાખડીઓ વેચાણ અર્થે મુકવામા આવી છે. સંસ્થા દ્વારા લોકોને આ રાખડીઓ ખરીદી મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા અપીલ કરવામા આવી છે.કલરવ શાળામાં 30 વર્ષથી અભ્યાસ કરતી મનો દિવ્યાંગ વિધાર્થીની ધારા ઝવેરીના માતા લોપાબહેને જણાવ્યું હતું કે તેઓની દીકરીનો આત્મવિશ્વાસ કલરવ શાળાના આ અભિગમની બમણો થયો છે અને તેઓની પ્રગતિમાં એ ખૂબ ઉપયોગી નીવડશે અને વર્ષ દરમિયાન થતી પ્રવૃતિઓ થકી તેનામાં નવું શીખવાની રુચિ વધી છે. તેના દ્વારા બનાવાયેલી રાખડીના વેચાણથી જે આવક ભેગી થાય છે તેને બાળકો પોતાના ગલ્લામાં ભેગા કરી આનંદ અનુભવે છે.હવે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેને ધ્યાને લઇ લોકડાઉન વચ્ચે શાળા દ્વારા 18 વર્ષ ઉપરના જે બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે તેવા બાળકોને તેમની માતા સાથે શાળાએ બોલાવાયા હતા.જ્યાં 2 કલાક બાળકોએ શિક્ષકોની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પોતાના હાથે સુંદર રાખડીઓ બનાવી હતી. હવે આ રાખડીઓ લોકો માટે વેચાણ અર્થે મુકવામાં આવી રહી છે, તો આ મનો દિવ્યાંગ બાળકો શહેરીજનોને કહી રહ્યાં છે, અમારા હાથે તૈયાર કરેલી રાખડીઓ ખરીદો અને અમારો આત્મવિશ્વાસ વધારવા સાથે અમને પગભર થવામાં તમે મદદરૂપ બનો.કલરવ શાળાના સંચાલક નીલાબહેન મોદી એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન અમે બાળકોને વિવિધ પ્રવૃતિઓ શીખવાડીએ છે ,અનેક તહેવાર નજીક આવતો હોય તે લગતું કાર્ય કરાવીએ છે. ત્યારે રક્ષાબંધન પર્વ નજીક આવતું હોઇ ત્યારે જે બાળકે વેક્સીન લીધી હોઇ તેમને વાલી સાથે બોલાવીને રાખડી બનાવતા શીખાડીએ છીએ અને ત્યાર બાદ તેઓની ની રાખડીને વેચાણ અર્થે મૂકી તેમાંથી થયેલ કમાણી દિવ્યાંગ બાળકોને આપી તેઓનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરીએ છીએ.
ભરૂચની કલરવ શાળાના મનો દિવ્યાંગ બાળકોએ રાખડીઓ તૈયાર કરી, લોકોને રાખડીઓ ખરીદવા અપીલ…
Views: 57
Read Time:2 Minute, 55 Second