ગતરોજ સમી સાંજના સુમારે કરજણ તાલુકાના દેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવક મિત્રો પાણીમાં ગરકાવ થતાં બે યુવકોનો આબાદ બચાવ થયાનું જ્યારે એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નિપજયાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મળતી વિગતો અનુસાર ગતરોજ સાંજના સુમારે ત્રણ યુવાન મિત્રો કરજણ તાલુકાના દેરોલી ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા માટે પડ્યાં હતા. તે દરમિયાન ન્હાતા ન્હાતા અચાનક ત્રણેવ મિત્રો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતાં.
દરમિયાન બે યુવકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે એક યુવક ઊંડા પાણીમાં ડૂબી જતાં કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે કરજણ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને નદીમાં ડૂબી જનાર યુવકની શોધખોળ આરંભી હતી. અઢી – ત્રણ કલાકની ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડ જવાનોની સયુંકત પ્રયાસોથી મોડી સાંજના આઠ વાગ્યાના અરસામાં ડૂબી જનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે લોકટોળાં ઉમટી પડ્યા હતાં. નર્મદા નદીમાં ડૂબી જનાર યુવક અભારા હુસેન મહમ્મદ મલેક ઉ.વ.૨૩ ઝઘડિયા તાલુકાના તરસાલી ગામના હોવાનું જાણવા મળ્યું છે…
તસ્લીમ પીરાંવાલા….કરજણ…