ઉઘરાણીએ જતો સ્પોર્ટ્સની દુકાનનો માલિક અને બે મિત્રો જ નીકળ્યા ચોર
બે તસ્કર મિત્રો, સોનું વેચનાર મિત્ર અને ઓગાળનારની ધરપકડ
રોકડા 15.50 લાખ, 47 તોલા સોનું, બાઇક, 5 મોબાઈલ મળી કુલ ₹45.77 લાખનો મુદ્દામાલ રીકવર
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કવોર્ડના 35 જવાનોએ પાલેજ પંથકના 2 ગામોમાં એક મહિના સુધી પડાવ નાખી 64 તોલા સોનું અને લાખો રૂપિયા રોકડાની 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટંકારીયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં 64 તોલાથી વધુ સોનુ તથા લાખો રૂપિયાની થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરી કરનાર, સોનુ પીગાળનાર તથા વેચનાર સહિત 4 આરોપીઓને કુલ કિંમત રૂપિયા 44.77 લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયા છે.
પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોલી ગામે માર્ચ મહિનામાં ફરીયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાઝ પઢવા ગયા હતા. તે સમયે મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી, સોનાની 20 તોલાની અલગ અલગ જણસો તથા રોકડ રૂપિયા સાડા ત્રણ લાખ મળી કુલ 13.98 લાખનો તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા.
લાખોની આ ચોરીના 20 થી 25 દિવસ બાદ એપ્રીલમાં ટંકારીયા ગામે પાદરીયા રોડ ઉપર લારીઆ સ્ટ્રીટમાં ફરીયાદી તથા તેનો પરીવાર લગ્નમાં ગયેલો હતો. દરમ્યાન સાંજના સાતથી સવા નવ વાગ્યાની આસપાસ કોઇ અજાણ્યા આરોપીઓ ઘરની ગેલેરીના દરવાજાને હોલ પાડી, લોક ખોલી ઘરમાં પ્રવેશી 44 તોલા સોનાની અલગ અલગ જણસો તથા રોકડ રૂપિયા 4 લાખ 67 હજાર પાંચસો મળી કુલ ₹22.60 લાખની મત્તાની ચોરી કરી હતી.
બંને ચોરી સંબંધે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પાલેજ પંથકમાં વધતા ક્રાઈમ ગ્રાફને લઈ ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડાએ સૂચના આપતા LCB તપાસમાં જોતરાયું હતું.
પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ ટીમને સાથે રાખી કંબોલી તથા ટંકારીયા ગામે ઘરફોડ ચોરીવાળી જગ્યાની વિઝીટ કરી, પ્રાથમિક માહિતીથી અવગત થઇ. રૂટ ઉપરના સી.સી.ટીવી ફુટેઝ, હ્યુમન સોર્સ, ટેક્નિકલ સર્વેલન્સ વિગેરે દિશાઓમાં તપાસ કરવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.
બંને ગામોમાં LCB PI સાથે PSI ડી.એ.તુવર, આર.કે. ટોરાણી સહિત ટીમ સાથે પેરોલ ફ્લો સ્કવોર્ડ મળી 35 જવાનો જોડાઈ અવારનવાર કેમ્પ, સી.સી.ટીવી ફુટેઝ એકત્રીકરણ, એનાલીસીસ, ખબરીઓનું નેટવર્ક એક્ટિવ કરી તપાસનો ધમધમાટ ચલાવાયો હતો.
શોધખોળ અને તપાસ વેળા PSI ડી.એ.તુવરને ટંકારીયા ગામે રહેતો જુનેદ ટીચુક અને તેનો મિત્ર મુબારક ભીમ બંને કંબોલી તથા ટંકારીયા ગામની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાની બાતમી મળી હતી.
બંને શકમંદ મિત્રોને LCB કચેરી ખાતે બોલાવી ઉંડાણપુર્વકની પુછપરછમાં તેઓએ જ ચોરીને અંજામ આપ્યાનું કબુલ્યું હતું.
છેલ્લા એકાદ વર્ષથી ટંકારીયામાં સ્પોર્ટ્સની દુકાન ચલાવતા જુનેદને સ્પોર્ટ્સના સાધનોનું બીલ લેવાનું બાકી હોય જેથી કંબોલી ગામે બન્ને આરોપી મિત્રો અવાર-નવાર ઉઘરાણી માટે જતા.
તેમણે એક મકાન જોયેલ, જ્યાં સાંજની નમાજ વખતે કોઇ ઘરમાં રહેતુ ન હોય જેથી તે મકાનની રેકી કરેલ અને માર્ચ મહીનામાં તે મકાનમાં ચોરી કરેલ. ત્યારબાદ રમઝાન માસમાં ટંકારીયા ગામે એક મકાનમાં ચોરી કરેલ. ત્યારબાદ એપ્રીલ મહીનામાં ટંકારીયા ગામમાં લારિયા સ્ટ્રીટમાં એક રહેણાંક મકાનમાં ઘરના બધા સભ્યો લગ્નમાં ગયેલ તે વખતે ઘરમાં ચોરી કરેલ.
આ કંબોલી તથા ટંકારીયા ગામે કરેલ ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદે તેના મિત્ર હેમંત કાપડીઆ ભરૂચવાળાને આપેલ, ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપીને ઝડપી પાડી તેની પુછપરછ હાથ ધરતા તેને આ ચોરીનો માલ મોતી બંગાળી નામના વ્યક્તિ પાસે પીગાળી અલગ અલગ ઓળખીતા સોનીઓને ઘરનું સોનુ હોવાનો વિશ્વાસ આપી લગડીઓ બનાવી વેચેલ.
ચોરીનો માલ પીગાળનાર આરોપીને પણ ઝડપી પાડી, આરોપી હેમંત કાપડીઆ પાસેથી સોનાની રણીઓ ખરીદનાર સોનીઓને બોલાવી 47 તોલા સોનું, રોકડા રૂપિયા 15.50 લાખ, બાઇક, ડ્રિલ મશીન, 5 મોબાઈલ મળી ₹45.77 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ અંગે DYSP સી.કે.પટેલે પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી આપી હતી.
પકડાયેલા આરોપીઓ
મહંમદ જુનેદ અલી કાપડીયા, ટંકારિયા, ભરૂચ (સ્પોર્ટસની દુકાનનો માલિક)
મુબારક યાકુબ ભીમ, ટંકારીયા (જુનેદનો મિત્ર)
હેમંત હરીલાલ કાપડીયા, કંસારવાડ, ભરૂચ (દાગીના વેચનાર મિત્ર)
મોતી મોમીનજાન સરકાર ( દાગીના પીગાળી લગડી બનાવનાર )