ભરૂચની વિલાયત GIDC માં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં અધિકારીના ત્રાસથી વધુ એક કર્મચારીનો આપઘાત
મનજીત સિંઘ સરે મને બોહ મેન્ટલી ટોર્ચર કર્યો, ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી રાજેશ ગોહિલે ગળેફાંસો ખાધોઆત્મહત્યા પેહલા અંતિમ વાત ફોન પર પત્ની સાથે થઈ હતી
મૂળ જુના તવરા અને હાલ ઝાડેશ્વર રહેતા કર્મચારીએ ફાઇબર ડિવિઝનના સલ્ગ રૂમમાં દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ભરૂચના વાગરા તાલુકાની વિલાયત GIDC માં આવેલી બિરલા ગ્રાસીમ કંપની સ્થાનિક યુવાનોના આપઘાત મુદ્દે વિવાદમાં આવી છે. કંપનીના ભરૂચના સ્થાનિક યુવાનો મુજબ પરપ્રાંતીય અધિકારીઓની હેરાનગતિ અને ત્રાસથી કંપનીની અંદર આત્મહત્યાની આ ત્રીજી ઘટના જ્યારે કંપની બહાર કર્મચારીના આપઘાતની 5 મી ઘટના સામે આવી છે.વાગરા તાલુકાની વિલાયત GIDC માં આવેલી બિરલા ગ્રાસીમ સેલ્યુલોઝ ફાઈબર કંપનીના એક કામદારે HOD એક અધિકારીના માનસિક ત્રાસના કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.ઘટનાની જાણ થતાં જ કંપની મેનેજમેન્ટના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. મૃતકે ત્રણ પાનાની સુસાઈડ નોટ લખીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. હાલમાં વાગરા પોલીસે અકસ્માત નોંધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચના ઝાડેશ્વરની મારૂતિ દર્શન સોસાયટીમાં રહેતો જુના તવરા ગામનો 37 વર્ષીય રાજેશ ભીખાભાઇ ગોહિલ વિલાયત GIDC બિરલા ગ્રાસિમમાં ઓકઝીલરી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો હતો. રવિવારે સાંજે તે કંપની પર ફરજ ઉપર હતો ત્યારે 5 થી રાત્રીના 10.30 વાગ્યાના અરસામાં ફાઇબર ડિવિઝનના સલ્ગ રૂમમાં એન્ગલ પર દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ગળેફાંસો ખાતા પેહલા રાજેશ ગોહિલે છેલ્લી વાત ફોન પર તેમની પત્ની સાથે કરી હતી. સ્થળ પરથી વાગરા પોલીસને ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી.જેમાં પરિણીત યુવાને મનજીત સિંધ સરના ત્રાસથી તે આ પગલું ભરી પોતાના પરિવારથી દુર થઇ રહ્યો હોવાની વેદના વ્યક્ત કરી હતી.ઘટના અંગે તપાસ વાગરા PSI એ.કે.જાડેજા ચલાવી રહ્યાં છે. તેઓએ જણાવ્યું હતું કે, યુવાને છેલ્લી વાત પત્ની જોડે કરી હતી તેમનું નિવેદન લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. મૃત્યુનું કારણ પ્રાથમિક તબક્કે ગળેફાંસો જ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બિરલા ગ્રાસીમ કંપનીમાં જ ફરજ બજાવતા યુવાને ગત માર્ચ મહિનામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે પેહલા પણ એક યુવાને ઘરે જ્યારે અન્ય બે કર્મચારીઓ કંપનીમાં આત્મહત્યા કરી હતી. ત્યારે કંપનીમાં પરપ્રાંતીય કે ઉપરી અધિકારીઓ દ્વારા યુવાનોનું થતું શોષણ અને તેમને અપાતો ત્રાસની ઘટનામાં પોલીસ મૂળ સુધી જાય તો અન્ય કોઈ યુવાનની જિંદગી બચવા સાથે પરિવાર છિન્નભિન્ન થવાથી બચી શકે તેમ છે.
રાજેશ ગોહિલે લખેલી 3 પાનાની સ્યુસાઇડ નોટના કેટલાક અંશો…રાજેશ ગોહિલે કંપનીના તમામ સાહેબોને ઉદેશી લખેલી સ્યુસાઈટ નોટમાં જણાવ્યું હતું કે, આપણી કંપનીના ઓક્ઝુલરી ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરીને કંપનીના અનેક કામ કરૂં છું. તેમ છતાંય મનજીત સાહેબ મને રોજ કામગીરી બાબતે બોલી માનસિક રીતે હેરાન પરેશાન કરે છે. મને રોજ નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી માનસિક રીતે ટોર્ચરીંગ કરી ખોટા ખોટા લેટર આપવાની ધમકી આપતા હતા. મારી પાસે આટલો બધો વર્ક લોડ હોવાના કારણે કામગીરીમાં મોડું થાય તો પણ ગમે તેમ બોલી અપશબ્દો ઉચ્ચારતા હતા. સેફટી બાયપાસ કરાવીને કામગીરી કરવા મજબુર કરતા હતા. જયારે અમુક વખતે ના પાડું તો પણ મને હેરાન પરેશાન કરતા હતા. મને ટોર્ચરીંગ કરતા હોવા છતાંય મારે નોકરીની જરૂર હોય બધી જ ટોર્ચરીંગ સહન કરું છું. જેથી કંપનીના તમામ અધિકારીઓને જણાવાનું કે, મંજીત સાહેબ સામે એક્શન લેજો. જેથી તેનાથી કંટાળી બીજો કોઈ મારા જેમ આવું પગલું ભરે નહિ. મંજીત સર તમે જે મારી સાથે કર્યું તે બોવ ખોટું કર્યું છે મને દિલમાં બોવ લાગી આવ્યું છે. સાચ્ચે યાર આટલું બધું ટોર્ચરીંગ ના હોય શકે માણસનો વિચાર કરવો જોઈએ. મારે તમારા આવા શોષણથી આવું પગલું ભરવાનો સમય આવી ગયો છે. આજે તમેં મારા દિવસ કેવા લાવી દીધા કે મારે મારી ફેમીલીથી વિખુટા પડવાનો સમય આવી ગયો છે.