સુરત જિલ્લામાં દીપડાના આંટાફેરા યથાવત છે. સુરત જિલ્લામાં માંગરોળના લવેટ ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. જેને લઇને સ્થાનિક પશુપાલકો અને ખેડૂતો હાલ ભયમાં મુકાઈ ગયા છે. લેવટ ગામમાં પાંજરૂ મૂકવા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.
લવેટ ગામના સરપંચ મનોજભાઈ જેઠાભાઈ વસાવા પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમના ઘર નજીક બનાવેલા તબેલામાં 50 જેટલી ભેંસો અને 50 ગાય તેમજ 30 જેટલા નાના વાછરડા પાળ્યા છે. રાત્રિ સમય દરમિયાન શિકારની શોધમાં આવેલા દીપડાએ એક ત્રણ મહિનાના વાછરડાનું મારણ કર્યું હતું. આ બનાવ અંગે તેમણે વાંકલ વન વિભાગ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને લેખિત ફરિયાદ કરી હતી અને જણાવ્યું કે, તબેલામાં રાખવામાં આવેલા નાના મોટા પશુઓના જીવનું જોખમ હોવાથી તાત્કાલિક ધોરણે દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી કરવામાં આવે. તેમજ થયેલા નુકસાન અંગે વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી.