તાજેતરમાં વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનેલા અધ્યક્ષ દિનેશ પટેલ (દીનુમામા) અને ઉપાધ્યક્ષ ગણપત સિંહજી સોલંકીનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે કરજણ ભાજપ તાલુકા પ્રમુખ જયદીપ સિંહ રાજે ઉપસ્થિત અતિથિઓ નો હાજરજનોને પરિચય આપ્યો હતો. ત્યારબાદ અતિથિઓ નું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું.
ત્યારબાદ કરજણ – શિનોર બેઠકના પુર્વ ધારાસભ્ય સતીષ પટેલે હાજરજનોને સંબોધતા જણાવ્યું હતું કે બરોડા ડેરીમાં વિજયી બનાવવા બદલ તમામ સહકારી આગેવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓમાં મને વિજેતા બનાવ્યો છે. ત્યારે હું ખેડૂતોને અન્યાય નહીં થવા દઉં એવી ખાત્રી ઉચ્ચારી હતી.
અગાઉના સમયમાં જે વહિવટ થતો હતો તેમાં કરોડો રૂપિયાની લોન હોય અને વહીવટ કરતા હોય આપણી એકપણ રૂપિયાની લોન નથી અને વહિવટ કર્યો હોય એ બિરદાવવા પાત્ર છે. જ્યારથી દિનુમામા એ વહિવટ સંભાળ્યો છે. ત્યારથી યુનિયનો ખતમ થઇ ગયા છે. નામ લીધા વગર કહ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે ખોટી ખોટી વાતો ફેલાવે છે. બરોડા ડેરીમાં છ છ ડિરેક્ટરો બિનહરીફ થયા એ જ બતાવે છે કે આપ સૌના સહકારથી બિનહરીફ થયા છે. બરોડા ડેરીનો એવો વહિવટ કરીશું કે કોઈ હરીફ ઊભો નહીં રહી શકે.
ત્યારબાદ ધારાસભ્ય અક્ષય પટેલે પણ પોતાના સંબોધનમાં બરોડા ડેરી વિશે ચિતાર આપી બરોડા ડેરીમાં દિનુમામા તેમજ ગણપત સિંહજી સોલંકીને બિનહરીફ વિજેતા બનાવવા બદલ સહકારી આગેવાનોનો આભાર વ્યક્ત કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો ને વિજેતા બનાવવા અપીલ કરી હતી.
અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું સન્માન સમારોહમાં વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો તેમજ સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.