ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. કિશોરી સાથે મિત્રતા બાંધી એક આરોપી ફરવા લઈ જવાના બહાને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. તેમજ અન્ય 7 શખ્સોને બોલાવી કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.
આ ઘટનાની પોલીસ ફરિયાદ અનુસાર ઝઘડીયા તાલુકાના એક ગામની કિશોરી સાથે એક શખ્સે મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે કિશોરી આ શખ્સને વિશ્વાસુ માનતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે. 16 ફેબ્રુઆરીની રાત્રે આ શખ્સ ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદઈરાદાથી અજાણ કિશોરી તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે શખ્સ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો.
પીડિતાની ઉંમર 16 વર્ષ આસપાસ છે જેને નરાધમે ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય 7 મિત્રોને કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ 7 શખ્સોએ પણ કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. સામુહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપી આરોપીઓએ કિશોરીને ભગાડી મૂકી હતી.
પિશાચી કૃત્યનો ભોગ બનેલી પીડિતા આ હાલતમાં ઘરે પહોંચી હતી. જેણે પરિવારને આપવીતી કહેતા માતા-પિતા સ્તબ્ધ બન્યા હતા. સ્થાનિક અગ્રણીઓને કિશોરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા-પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારોને ગંભીર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી.
ઝઘડીયા પોલીસ સ્ટેશમાં આઈપીસી કલમ 363, 366, 376 (D),114 અને પોસ્કો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 8 નરાધમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. આ બનાવ બાદ કિશોરીની તબીબી તપાસ સાથે ફોરેન્સિક એક્સપર્ટની પુરાવા એકત્રિત કરવા મદદ લેવામાં આવી રહી છે.
આ બનાવ સંદર્ભે ગુનો દાખલ કરનારા ઝઘડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી એચ વસાવાનો સંપર્ક કરવામાં આવતા આરોપીઓની ધરપકડ અને ગુનાની તપાસની દિશા અંગે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
ઝઘડિયા તાલુકાના એક ગામમાં 16 વર્ષીય કિશોરીને ખેતરમાં લઈ જઈ 8 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું
Views: 77
Read Time:3 Minute, 16 Second