
હાલ સમગ્ર દેશમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે બિલાડી કુળના દીપડાની સંખ્યામાં 63 % વસતી વધારો ગુજરાતમાં જોવા મળી રહી છે. 2016 ગુજરાતમાં 1395 દીપડા હતા જેની માત્ર સાત વર્ષના ગાળામાં પુન: ગણતરી કરવામાં આવતાં 2023માં દીપડાની સંખ્યા 2274 નોંધાઈ છે. ભરૂચ જિલ્લામાં 2016માં માત્ર 5 દીપડા હતા જે વધીને 2023માં 105 થયા છે. દીપડાની સંખ્યા વધવાનું મુખ્ય કારણ ગુજરાતમાં જૈવ વિવિધતા પ્રત્યે લોકોમાં જાગૃતિ અને વન્યજીવ સંરક્ષણના સહિયારા પ્રયાસો તેમજ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ના નિયમો કડક બનાવતા શિકાર જેવી પ્રવૃત્તિમાં ઘટાડો થતાં વસતીમાં વધારો છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં દીપડાને નુકસાન પહોંચાડી શકે એવાં પ્રાણીઓની સંખ્યા નહિવત્ પ્રમાણમાં છે. જેથી તે નિર્ભયતાપૂર્વક પોતાના વિસ્તારમાં રહી શકે છે. બીજું કે દીપડો માનવ સાથે રહેવા ટેવાયેલા છે. દક્ષિણ ગુજરાતમાં શેરડીનાં ખેતરો તેના માટે ઉત્તમ આવાસસ્થાન અને એમનાં બચ્ચાં આપવા માટે સુરક્ષિત સ્થળ બની ગયાં છે. તેનાં બચ્ચા સુરક્ષિત રીતે શેરડીના ખેતરમાં રહેતાં હોય છે. જંગલમાં તેનાં બચ્ચાંનો શિકાર વાઘ, સિંહ, અજગર, ઝરખ કે અન્ય શિકારી પ્રાણીઓ કરી શકે છે પણ માનવ વસતીમાં તે શિકારી પ્રાણી આવતાં નથી અને વાઘ અને સિંહ જેવાં પ્રાણીઓ આપણી આસપાસ જોવા મળતા નથી જેથી દીપડાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. વધુમાં દીપડામાં નર અને માદા વચ્ચેના જન્મદર અને સંવનનમાં પણ ઘણો ફરક જોવા મળી રહ્યો છે.