દહેજની વેલસ્પન કંપનીના 400 કમર્ચારીઓને ટ્રાન્સફર ઓર્ડર મળતા કામદારોમાં રોષ
દહેજ સ્થિત વેલસ્પન કંપની દ્વારા કામદારોની અચાનક બદલી કરી દેવામાં આવી છે. અગાઉ કંપનીના 120 જેટલા અધિકારી કક્ષાના કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ક મેન કક્ષાના 400 જેટલા કામદારોને તા. 18 જૂનના રોજ વર્ક ટુ હોમના આદેશ કરવામાં આવ્યા હતા અને બેજ દિવસમાં તેઓને ઘરે ટપાલ મારફતે કચ્છના અંજાર સ્થિત પ્લાન્ટમાં બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. 400 જેટલા કર્મચારીઓનું ભાવી જોખમમાં મુકાતા આજે કર્મચારીઓ ઓર્ડરની કોપી સાથે એકત્રિત થયા હતા અને કોપી ફાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
વર્ષોથી અહી ફરજ બજાવતા અનેક કર્મચારીઓના ટ્રાન્સફર ઓર્ડર આવતા કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે અને આગામી દિવસમાં તેઓ વિવિધ કચેરીઓ ખાતે તેમજ સ્થાનિક નેતાઓ સમક્ષ રજૂઆત કરશે અને જો તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં હાલ કોરોના કાળ દરમિયાન અચાનક કર્મચારીઓની બદલી કરાતા કંપની મેનેજમેન્ટ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. નફો કરતો અહીનો પ્લાન્ટ અચાનક બંધ કરી શું મેનેજમેન્ટ કંપનીને તાળા મારવા ઈચ્છે છે કે કેમ તે પ્રશ્ન છે. ત્યારે હાલ તો આ તમામ કર્મચારીઓનું ભાવી અદ્ધરતાલ જોવા મળી રહ્યું છે. તેવામાં સ્થાનિક આગેવાનોએ આગળ આવી આ કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ લાવવું અનિવાર્ય જણાઈ રહ્યું છે.