અમદાવાદના સોનીની કારને ભરૂચના નબીપુર નજીક આંતરી તમંચાની નોક પર ચલવાયેલી લૂંટમાં LCB એ મુંબઈથી માસ્ટર માઇન્ડ નીરવ શાહને ઉઠાવી લીધો છે. ભરૂચના નબીપુર – ઝનોર માર્ગ પર 23 જૂને અમદાવાદના સોનીને બે કારમાં આવેલા લૂંટારુંઓએ હથિયારો બતાવી 2 કિલો સોનું અને રોકડા મળી ₹1.25 કરોડની લૂંટ ચલાવી હતી.ભરૂચ પોલીસે તુરંત નાકાબંધી કરી નર્મદા અને વડોદરા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને પણ એલર્ટ કરી દીધી હતી.વડોદરાની સેગવા ચોકડી નજીકથી કારમાં 3 લૂંટારું પકડાઈ ગયા હતા.ઘટનાના બીજા દિવસે અન્ય બે લૂંટારું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે તમામ સવા કરોડના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. ગુનાની તપાસમાં સર્કલ PI કે. વી. બારીયાએ લૂંટમાં વપરાયેલ હથિયાર રિકવર કર્યું હતું.લૂંટને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ અમદાવાદનો નિરવ ઉર્ફે એવી શાહને વોન્ટેડ જાહેર કરાયો હતો.આ આરોપી અમદાવાદ જેલમાં વર્ષ 2015 ના દેવાંગ ઠાકરના અપહરણ બાદ 40 લાખની ખંડણી અને હત્યામાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો.જેણે વચગાળાના જામીન મેળવી ફરાર થયા બાદ આર્થિક ભીંસ દૂર કરવા લૂંટનો પ્લાન ઘડયો હતો. નિરવે 5 લાખ મનોજને આપવાનું કહી 4 માણસો નાસિકથી અને 3 લાખ દેવને આપવાનું કહી અમદાવાદથી બીજા માણસો લૂંટ માટે તૈયાર કરાવ્યા હતા.ભરૂચની લૂંટમાં સફળ નહિ થતા પાછી ગેંગ તૈયાર કરી નિરવ મહેશ શાહ ચેન્નાઇ ખાતે બીજી લૂંટનો પ્લાન બનાવી રહ્યો હતો. ભરૂચ એલસીબીએ મુંબઈ-પુના રોડ પરની ફાઉન્ટેન હોટલના કમ્પાઉન્ડમાંથી નિરવને પકડી લીધો છે. જે અંગે સોમવારે ભરૂચ પોલીસ વડા ડો. લીના પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી.
ભરૂચમાં અમદાવાદના સોનીને સવા કરોડમાં લૂંટવાનો મામલો:માસ્ટર માઇન્ડ ચેન્નાઇમાં બીજી લૂંટ ચલાવે તે પહોલાં જ મુંબઈથી લિફ્ટ કરી લેવાયો
Views: 191
Read Time:2 Minute, 18 Second