અનલોકની સાથે નશીલા માદક દ્રવ્યોનો વેપલો પણ શરૂ, જંબુસરમાંથી SOG પોલીસે રુ. 5.98 લાખના 59.850 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી
કોરોનાના બીજા વેવમાં કેસો અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાતા મીની લોકડાઉન આંશિક અનલોક કરાતા ફરી નશીલા પદાર્થની હેરફેર અને વેપલો કરતા તત્વો એક્ટિવ થઈ ગયા છે. ભરૂચ SOG પોલીસે જંબુસરની અજમેરી નગરીમાંથી એક વૃદ્ધને 59.850 કિલો ગાંજાના વિપુલ જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.ભરૂચ જિલ્લામાં ત્રણ વર્ષ બાદ હાલના કોરોના કાળના બીજા તબક્કામાં આંશિક અનલોક વચ્ચે સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપે નશીલા પદાર્થ ગાંજાનો બીજો સૌથી વધુ જથ્થો પકડ્યો છે. જંબુસર અજમેરી નગરીમાંથી નશાયુકત માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો 59.850 કિલો જેની કિંમત રૂ. 5.98 લાખ સાથે એક વૃદ્ધની ધરપકડ કરાઈ છે.ભરૂચ જિલ્લામાં નશાની પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને આ નશીલા પદાર્થના વેપલા અટકાવવા SP રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના હેઠળ SOG PI કે.ડી.મંડોરા ટીમ સાથે વોચ રાખી રહ્યા હતા. PSI એમ.આર.શકોરીયા અને એન.જે.ટાપરીયા સ્ટાફ સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે જંબુસર ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. પો.કો. સાગરભાઇને તેઓના બાતમીદારથી નશીલા માદક પદાર્થના મોટા જથ્થા અંગે બાતમી મળી હતી.SOG ટીમના સુરેશભાઈ, શૈલેષભાઇ સહિતે અજમેરી નગરી , જંબુસર ખાતે રેઇડ કરતા મિણીયા કોથળામાં નશાયુકત માદક પદાર્થ ગાંજો 59.850 કીલો, મોબાઇલ, વજન કાંટો તથા વજનીયા મળી કુલ રુપિયા 6 લાખના મુદ્દામાલ સાથે વૃદ્ધ આરોપી ઇસ્માઇલ ઉર્ફે લીલુ અમીરભાઇ શેખ (ઉ.વ .67 )ને ઝબ્બે કર્યો હતો. જેનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે. પ્રાથમિક તબક્કે સુરતથી ગાંજાનો વિપુલ જથ્થો લવાયો હોવાની માહિતી મળી રહી છે.