
અરબી સમુદ્રમાં ઘુઘવાતા મારતા બિપોરજોય ચક્રવાતના કારણે સમુદ્ર તોફાની બને તેવી શકયતાઓ વધી જતા સોમવારે સવારથી દહેજ બંદર ખાતે 3 નંબરનુ સિગ્નલ લગાડી દેવામાં આવ્યુ છે.ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને હાંસોટ 3 તાલુકાના કાંઠાના 29 ગામોને સાબદા કરાયા છે. સાથે જ જિલ્લા ડિઝાસ્ટર અને તાલુકા સ્તરે પણ તમામ કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત કરી દઇ તમામ અધિકારીઓ, મામલતદાર, પ્રાંત, તલાટીઓને સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના અપાઈ છે.વાવાઝોડાને લઈ દહેજ બંદરે ભયસુચક સિગ્નલ બે દિવસથી લગાડી દેવાયુ છે. તમામ માછીમારોને આગામી 16 જૂન સુધી દરિયો નહીં ખેડવા સુચનાઓ આપી દેવાઈ છે. ભરૂચની 5 જેટીઓને પણ તકેદારી માટે તાકિદ કરવામાં આવી છે.જિલ્લામાં વાવાઝોડાની વર્તાનાર સંભવત અસરને લઈ સલામતી તેમજ તકેદારીના ભાગરૂપે જિલ્લાનું તંત્ર અને ડિઝાસ્ટર તમામ વ્યવસ્થા સાથે પરિસ્થિતિ મુજબ કામગીરી કરવા તહેનાત થઈ ગયુ છે.ભારે પવનના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા હોવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયામાં નહી જવા તંત્રએ ફરમાન કર્યુ છે.દહેજ બંદરે ખાનગી કંપનીઓની માલિકીની 5 જેટીઓ આવેલી છે જયાં માલસામાનની હેરફેર કરતા જહાજો લાંગરતા હોય છે તંત્રએ જેટીની સંચાલક કંપનીઓને પણ તકેદારીના પુરતા પગલા ભરવા તાકિદ કરી છે. ભરૃચ જિલ્લાના વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના કાંઠાના 44 થી વધારે ગામોના લોકોને વાવાઝોડાને પગલે સતર્ક રહેવા સુચના અપાઈ છે.જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ માહિતી આપી છે કે, સમગ્ર તંત્ર વાવાઝોડાને સાબદુ છે. તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરી હેડ કવાટર્સ નહિ છોડવા સૂચના અપાઈ છે. જિલ્લા અને નવ તાલુકાના કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત છે. દરિયા કાંઠે અને ગામોમાં પણ ટીમ એલર્ટ રહી સતત નજર રાખી રહી છે.વાવાઝોડાને લઈ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને 15 જૂન સુધી ભારે વરસાદ વરસવાની સંભાવના રહેલી છે. મંગળવારે સવારથી વાવાઝોડાની સંભવિત અસર વર્તાવવાની શરૂ થશે. જરૂર જણાય તો શિફ્ટિંગ માટે પણ તંત્ર તૈયાર છે. હાલ તો વેઇટ એન્ડ વોચ સાથે તમામ ગતિવિધિઓ પર જિલ્લા પ્રશાસન નજર રાખી રહ્યું છે.