

ભરૂચ જિલ્લા પોલીસના 2000 થી વધુ જવાનો સેવા, સુરક્ષા સાથે હવે કટોકટીમાં લોકોના જીવન બચાવવાની ભૂમિકા પણ નિભાવશે
મહામારી કોરોના બાદ કાર્ડિયાક એરેસ્ટના વધતા કેસો સામે ગુજરાત સરકાર અને ભાજપ દ્વારા રાજ્યભરમાં 51 સ્થળોએ 55 હજાર પોલીસ જવાનોને CPR ટ્રેનિંગ આપવાનો કાર્યકમ યોજાયો હતો. ભરૂચ SP, DYSP, PI, PSI સહિત 2 હજાર પોલીસે ફર્સ્ટ રિસ્પોન્ડર બની અચાનક બંધ પડેલા હૃદયને ફરી ધબકતું કરવા CPR ની તાલીમ લીધી હતી.ભરૂચ જિલ્લામાં પણ ભાજપ ડો.સેલ, આરોગ્ય વિભાગ, IMA અને મેડિકલ સ્ટાફ દ્વારા ભરૂચ મેડિકલ કોલેજ ખાતે સીપીઆર ટ્રેનિગનું આયોજન કરાયું હતું. જેમાં દિવસભર 2000 થી વધુ પોલીસ જવાનોને હૃદયરોગના હુમલામાં ફર્સ્ટ રિસ્પોન્ડર બની કોઈનો જીવ કઈ રીતે બચાવી શકાય તેની તાલીમ અપાઈ હતી.ભરૂચ કિરણ પટેલ મેડિકલ કોલેજમાં CPR ટ્રેનિંગમાં જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, DYSP સી.કે.પટેલ, ગાંગુલી, PI, PSI, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મેડિકલ કોલેજ અને સિવિલના તબીબો, સ્ટાફ સહિત મોટી સંખ્યામાં હજાર રહ્યાં હતાં.અચાનક હૃદય બંધ પડી જવાની ઘટનામાં કઈ રીતે સીપીઆર આપી 10 મીનિટના ગોલ્ડન પિરિયડમાં દર્દીનો જીવ બચાવી શકાય તેની તાલીમ આપવામાં આવી હતી. કોઈપણ ઇમરજન્સીમાં પોલીસ ઘટના સ્થળે પ્રથમ પોહચે છે ત્યારે સેવા, સુરક્ષા આપતી પોલીસ હવે CPR થકી સ્વાસ્થ્ય પણ પ્રદાન કરી લોકોના જીવ બચાવવામાં ભૂમિકા ભજવી શકશે તેમ DSPએ જણાવ્યું હતું. આ તબક્કે તમામે અંગદાનના શપથ પણ લીધા હતા.