Read Time:2 Minute, 11 Second
****ભરૂચ મામલતદાર સુશ્રી રોશની પટેલના અધ્યક્ષપદે મંગલેશ્વરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ***
*
ભરૂચ: મંગળવાર: વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૮માં સંસ્કરણમાં ‘માનવતા માટે યોગ’ની થીમ પર આયોજિત કરાયો હતો.જે અન્વયે ભરૂચ જિલ્લામાં પણ તાલુકા કક્ષાનો કાર્યક્રમ કબીરવડમાં શ્રી ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ, મંગલેશ્વર ખાતે ભરૂચ મામલતદાર(ગ્રામ્ય) સુશ્રી રોશની પટેલના અધ્યક્ષપદે આયોજિત રવામાં આવ્યો હતો.આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુર ખાતેથી જીવંત પ્રસારણમાં જણાવ્યું હતું કે, યોગથી તણાવ ઘટે છે તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે.તેમજ રોજિંદા જીવનમાં યોગ અપનાવવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના યોગ અંગેના જીવંત પ્રસારણને પણ લોકોએ નિહાળ્યો હતો.આ પ્રસંગે યોગ પ્રશિક્ષકની ટીમ દ્વારા વિવિધ યોગાસનો કરાવીને તેની મહત્તા પણ સમજાવી હતી.યોગ અંગેના સંકલ્પ લેવડાવી લોકોને નિયમિત રીતે યોગાસનો કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ધ્રુવ પટેલ તથા નાયબ મામલતદાર શ્રી ભગુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.આ ઉપરાંત નર્મદા હાઈસ્કુલ,નિકોરા હાઈસ્કુલ અને મંગલેશ્વર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ યોગ નિદર્શનમાં જોડાયા હતા તથા વિવિધ સમાજના અગ્રણીશ્રીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં.