
અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં ચાલતા આંદોલનને ઔદ્યોગિક નગરી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં અસર વર્તાવી છે. અંકલેશ્વરથી વતન જવા માંગતા અને બિહારથી પરત અંકલેશ્વર આવવા માંગતા કામદારો-શ્રમિક પરિવારો જે તે સ્ટેશનો ઉપર છેલ્લા બે ત્રણ દિવસથી ધામા નાખી બેઠા છે. બિહારમાં અગ્નિપથ યોજનાને પગલે આંદોલનકારીઓ રેલવેને નિશાન બનવી રહ્યા હોવાથી રેલવે દ્વારા બિહાર જતી કે આવતી ટ્રેનો છેલ્લા 3 દિવસથી રદ કરવામાં આવી રહી છે. જેથી જલ્દી આંદોલન સમેટાય અને બિહાર જતી આવતી ટ્રેન સેવા પૂર્વવત થાય તેમ આ પરિવારો ઇચ્છી રહ્યા છે.ઉનાળાના વેકેશન અને રજાઓમાં અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં રોજીરોટી માટે ઠરીઠામ થયેલા ઉત્તર ભારતીય અને તેમાંય ખાસ કરી બિહારી પરિવારો વતન ગયા હતા. વેકેશન ખુલી ગયાને સપ્તાહ ઉપરાંતનો સમય થવા આવ્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી બિહારમાં ચાલી રહેલા આંદોલનને લઈને કેટલાય પરિવારો બિહાર અને અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં અટવાઈ ગયા છે.અંકલેશ્વર રોજીરોટી માટે વસતા પરિવારો હાલ પરત ફરી શક્યા નથી. જેને લઈ ઉદ્યોગોને પણ કામદારોની અછત અને આ પરિવારના બાળકોને પણ શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.