વેડચથી ઉબેર જવાના નર્મદા કેનાલ રોડ પર બનેલી દુર્ઘટના, ટ્રક ચાલક ફરાર
રાજસ્થાનના તિતલવાણા ખાતે રહેતાં નારણારામ મિસરારામ પ્રજાપતિ પર ગઇકાલે સાંજે વેડચ પોલીસનો ફોન ગયો હતો. જેમાં હેડકોન્સ્ટેબલ ભરતદાને તેમને જણાવ્યું હતું કે, તમારા ભાઇ રાયચંદ મિસરારામ પ્રજાપતિનું વેડચ ગામે અકસ્માત થયો છે. જેના પગલે તેઓ તુરંત વેડચ આવવા નિકળી ગયાં હતાં. તેઓ વેડચ આવતાં તેમને જણાવાયું હતું કે, વેડચથી ઉબેર ગામે જવાના નર્મદા કેનાલ રોડ પર તેમના ભાઇ બાઇક લઇને જઇ રહ્યાં હતાં. તે વેળાં એક ટ્રક ચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયાં હતાં. જેના પગલે ટ્રકના ડ્રાઇવર સાઇડના પાછળના ટાયર તેમના માથામાં પરથી ફરી વળતાં તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ટ્રક મુકી નાસી છુટ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તેમના મૃતદેહને સરકારી હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલાં તેમના ભાઇની ઓળખ મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરતાં તેમણે મૃતકના ડાબા હાથે અંગ્રેજીમાં આર.એસ. લખેલું છુંદણું હોય તે તપાસતાં તેના આધારે તેમની ઓળખ કરી હતી.
બનાવને પગલે પોલીસે તેમની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી માટી ખનનના કારસાઓને કારણે માર્ગ પર બેફામ મોટા માટી ભરેલાં ટ્રક, ટેમ્પો-ડમ્પરો દોડતાં હોય છે. તેમજ તેઓના કારણે છાસવારે અકસ્માતો સર્જાતાં હોય છે.