રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેનો આદિવાસીઓ વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આદિવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.આ મુદ્દે કોંગ્રેસે દુબેના પૂતળાનું દહન કર્યું હતું જ્યારે ભાજપે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.તો બીજી બાજુ કેવડિયા બચાવો આંદોલન સમિતિએ 3 દિવસ કેવડિયા બંધનું એલાન આપ્યું હતું, ભાજપ કોંગ્રેસે પણ બંધને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.કેવડિયા બંધને નિષ્ફળ બનાવવાના ભાગ રૂપે નર્મદા એલ.સી.બી એ આ લડતની શરૂઆત કરનાર પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને એમના નિવાસ સ્થાનેથ ડિટેન કર્યા હતા.કેવડીયા વિસ્તારનાં ગામોમાં લોકો રાજકીય પક્ષા પક્ષી છોડી કેવડિયા બચાવો આંદોલન સમિતિ અને ભાજપ-કોંગ્રેસના કાર્યકરો નિલેશ દુબે હાય હાય ના નારા અને ગુજરાત સરકાર તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી તત્કાલ હટાવવાની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરતા મોટે ભાગના કર્મચારીઓ પણ કેવડિયા બંધમાં જોડાયાં હતા અને શનિ-રવિવાર તમામ કામોનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.કેવડિયાના શ્રી રામ ચોક અને નર્મદા માતાની મૂર્તિ ખાતે એમ 2 વખત નિલેશ દુબેના પૂતળાનું દહન કર્યું હતું, પૂતળા દહન દરમિયાન આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.આદિવાસીઓના કેવડિયા બંધને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો.નિલેશ દુબેને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આદિવાસીઓએ કેવડીયામાં રેલી પણ કાઢી હતી.તેઓ કેવડિયા નર્મદા માતાજીની મૂર્તિ નજીક રોડ પર જ બેસી જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી રહેલા પ્રવાસીઓને અવરોધ ઉભો થયો હતો.પોલીસની સમજાવટ દરમિયાન આદિવાસીઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપા ટપી થતા મામલો વધુ ઉગ્ર બનતા સ્થિતિને કાબુમાં લેવા પોલીસ આદિવાસીઓ પર લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.પોલીસના લાઠી ચાર્જ દરમિયાન નાસ ભાગ મચતા અમુક પ્રવાસીઓ ગભરાયા હતા.આદિવાસી મહિલાઓએ પોલીસના લાઠી ચાર્જનો ઉગ્ર સ્વરે વિરોધ પણ કર્યો હતો.નિલેશ દુબેનું નિવેદનન વાયરલ થતા હાલ કેવડિયાની સ્થિતિ વણસી છે એમ કહીએ તો ખોટું નથી.3 દિવસ કેવડિયા બંધના એલાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પ્રવાસીઓનો સુરક્ષા માટે સમગ્ર કેવડિયા વિસ્તારમાં પોલીસ ખડકી દેવાઈ છે.કેવડિયા બંધ દરમિયાન વિવિધ આદિવાસી સંગઠનોના આગેવાનોએએસ.ઓ.યુ ના નાયબ કલેકટર નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાય, તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવામાં આવે અને નિલેશ દુબે જાહેરમાં મીડિયા સમક્ષ આદિવાસી સમાજની માફી માંગે એવી માંગ પણ કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ના.કલેકટર નિલેશ દુબેના વિરોધમાં કેવડિયા બંધ દરમિયાન આદિવાસીઓ પર પોલીસનો લાઠી ચાર્જ
Views: 86
Read Time:3 Minute, 50 Second