કૃપીયા ભડકાવ, કોમી, વૈમનસ્ય, અફવા કે અરાજકતા, અશાંતિ ફેલાવવા વાળી પોસ્ટ મૂકી તો થઈ જશો લોકઅપ ભેગાFB, ટ્વિટર, વોટ્સએપ, ઇસ્ટ્રાગ્રામ, સ્નેપચેટ જેવી સોશ્યલ સાઇટ ઉપર અસમાજિકતાનો સંદેશો ફેલાવતા તત્વો ઉપર અલગ અલગ ટીમોની સતત નજર
અમદાવાદ ધંધુકાના કિશન ભરવાડની હત્યા બાદ કેટલાક લોકોનો પોસ્ટ-ટીપ્પણીથી સુલેહ-શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ડામવા પોલીસ એલર્ટ મોડ પર
અમદાવાદના ધંધુકાના કિશન ભરવાડની હત્યા બાદ સોશ્યલ મીડિયા ઉપર ટીકા-ટીપ્પણી, અફવા, કોમી વૈમનસ્ય, અશાંતિ ફેલાવવાની અસામાજિક તત્વો દ્વારા સોશ્યલ વોર ભભૂકી ઉઠી છે. જેની સામે ભરૂચ જિલ્લા પોલીસે જિલ્લાવાસીઓને સાવધાન કર્યા છે. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ઇસ્ટ્રાગ્રામ, સ્નેપચેટ સહિતની સોશ્યલ સાઈટો ઉપર સતત વોચ રાખી રહી છે. જિલ્લાનું વાતાવરણ ડોહળવવાનું કૃત્ય કરનાર કોઈપણ શખ્સને સાખી લેવામાં નહિ આવે.
ભરૂચ જિલ્લા પોલીસે જિલ્લાવાસીઓને સાવધાન કરી સંયમતા, શાંતિ, ભાઈચારો જાળવી રાખી કોઈપણ અફવાથી દૂર રહેવા સૂચન કર્યું છે. તાજેતરમાં અમદાવાદ જીલ્લાના ધંધુકા મુકામે હત્યાનો બનાવ બનવા બન્યો છે. FB ઉપર મુકેલી એક પોસ્ટથી કિશન ભરવાડને વિધર્મીઓએ ટાર્ગેટ બનાવી મોતને ઘાત ઉતારી દીધો હતો. ઘટનામાં દોષીઓને પકડી પાડવામાં આવ્યા છે અને ATS સહિત પોલીસ અન્ય સંકળાયેલા ગુનેગારો સુધી પોહચવા તપાસ ચલાવી રહી છે.
જોકે આ ઘટનાના પડઘમ સમગ્ર રાજ્યમાં પડ્યા છે. હિંદુ સમાજ અને વિવિધ સંગઠનો હત્યામાં સંડોવાયેલા મૌલવીઓ, હત્યારા સહિત ષડયંત્રના તમામ ભાગીદારોને કડકમાં કડક સજા કરવા વિવિધ કાર્યક્રમો પાઠવી માંગણીઓ કરી રહ્યાં છે.
દરમિયાન અમુક અસામાજીક તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતી ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને કોમ – કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા કરવા સોશિયલ મીડીયા ઉપર ભડાકાવ અને શાંતી ભંગ કરતી પોસ્ટ / ટીપ્પણી કરી જાહેર શાંતીભંગ કરવાનો પ્રયાસ કરતા હોવાનું ભરૂચ જિલ્લા પોલીસને જણાય આવ્યું છે.
ભરૂચ જિલ્લા પોલીસે કોઇ વ્યક્તિ આવી ગેરકાયદે પ્રવૃતિ કરશે અથવા અન્ય કોઇ વ્યક્તિ મારફતે કરાવશે. કે આ બનાવ સંબંધે કોઇ ખોટી અફવાઓ ફેલાવશે, તો તેઓ વિરૂધ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ટકોર કરી છે. જીલ્લા પોલીસ દ્વારા વોટ્સએપ , ઇસ્ટ્રાગ્રામ , ફેસબુક , ટ્વીટર અને સ્નેપચેટ જેવી તમામ સોશિયલ સાઇટ ઉપર નજર રાખવા લોકલ ક્રાઇમ બ્રાંચ , સ્પેશિયલ ઓપરેશન ગૃપ , સાયબર પોલીસ સ્ટેશન તથા તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવાઈ છે.**આવી પ્રવૃતિ કરતા અસમાજીક તત્વો ઉપર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. જેની જિલ્લાની જનતા એ નોંધ લેવી. તથા ખોટી પોસ્ટ તથા અફવાઓ ઉપર ધ્યાન નહી આપી ભરૂચ જીલ્લામાં સુલેહ શાંતી અને કોમી એખલાસ જળવાઇ રહે તે હેતુ જીલ્લા પોલીસને સહકાર આપવા પણ પોલીસે સંદેશો પાઠવ્યો છે.