સુરત – શહેરના ઘોડદોડ રોડ સ્થિત કલામંદિર જ્વેલર્સમાં વીસ દિવસ અગાઉ સોનાનું ઢાળ ચઢાવેલા ચાર બિસ્કીટના બદલામાં રૂ. 2.05 લાખની સોનાની ચેઇન ખરીદી વિશ્વાસઘાત કરનાર બે રાજસ્થાની ભેજાબાજ ગત રોજ પુનઃ ખરીદી માટે આવતા જ્વેલર્સના સ્ટાફે ચાલાકી પૂર્વક વાતમાં પળોવી પોલીસની મદદથી રંગેહાથ ઝડપી પાડયા હતા.ઘોડદોડ રોડ સ્થિત જાણીતા કલામંદિર જ્વેલર્સમાં ગત 4 નવેમ્બરે ગ્રાહકના સ્વાંગમાં બે ગઠિયા આવ્યા હતા. બંને ગઠિયાએ બોગસ નામ ધારણ કરી પોતાની પાસે સોનાના ચાર બિસ્કીટ છે તે વેચાણ આપી તેના બદલામાં સોનાની ચેઇન ખરીદવી છે એમ કહી બિસ્કીટના બદલામાં 40.120 ગ્રામ વજનની ચેઇન કિંમત રૂ. 2.05 લાખની ખરીદી કરી ચાલ્યા ગયા હતા. બે દિવસ બાદ ચારેય બિસ્કીટ પીગળતા ડુપ્લીકેટ અને તેની ઉપર સોનાનો ઢાળ ચઢાવેલો હોવાનું જણાયું હતું. જેથી ગ્રાહકના સ્વાંગમાં ખરીદી કરવા આવનાર બંને ગઠિયાઓના સીસીટીવી ફૂટેજ વાળો એક વિડીયો બનાવી તમામ સ્ટાફ, સિક્યુરીટી ગાર્ડને બતાવવામાં આવ્યો હતો.દરમિયાનમાં ગત રોજ બંને ગઠિયા પુનઃ ખરીદી કરવા આવ્યા હતા અને સોનાના બિસ્કીટના બદલામાં દાગીના ખરીદવાની વાત કરી હતી. પરંતુ જ્વેલર્સના સ્ટાફે બંને ગઠિયાને વાતમાં રાખી તુરંત જ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઉમરા પોલીસ ઘસી ગઇ હતી. પોલીસે ગ્રાહકના સ્વાંગમાં ઠગાઇ કરનાર ગોટુલાલ પ્રભુજી ગુર્જર અને કિશનલાલ છગનલાલ ગુર્જર (બંને રહે. 803, પ્રમુખ નક્ષત્ર સોસાયટી, સામારવાડી, સેલવાસ, દાદરા નગર હવેલી અને મૂળ. રાજસ્થાન) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વીસ દિવસ અગાઉ ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ પધરાવી સોનાની ચેઇન ખરીદનાર બે રાજસ્થાની ભેજાબાજો વિરૂધ્ધ જ્વેલર્સ દ્વારા કોઇ કાર્યવાહી નહી કરતા તેઓ ગત રોજ પુનઃ ખરીદી કરવાના બ્હાને આવ્યા હતા. પરંતુ જ્વેલર્સ સંચાલકે ચાલાકી પૂર્વક બંનેને પોલીસના હાથમાં સપડાવી દીધા હતા. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં માત્ર કલામંદિર જ્વેલર્સમાં જ નહીં પરંતુ કોસંબા, ભરૂચ અને વાપીના જ્વેલર્સને ત્યાં પણ કરતબ અજમાવ્યાની કબૂલાત કરી છે.
સુરતમાં જ્વેલરી શોપમાં બે ગઠિયાનો કરતબ, સોનાનો ઢાળ ચઢાવેલા બિસ્કીટના બદલામાં ચેઇન ખરીદી ….
Views: 84
Read Time:3 Minute, 6 Second