ઈસ્લામી કેલેન્ડરમાં પ્રથમ મહિનાનું નામ `મોહર્રમ` છે અને જે 10 મા દિવસને મોહર્રમ તરીકે મનાવાય છે તેને `યૌમ-એ-આશુરા`ના નામથી પણ ઓળખવામાં આવે છે
ઈસ્લામી કેલેન્ડરના પ્રથમ મહિનાનું નામ ‘મોહર્રમ’ છે. આ મહિનો માતમનો મહિનો હોવાથી કોઈ ઉજવણી કરવામાં આવતી નથી, પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો શોકમગ્ન રહેતા હોય છે. આ મહિનાની 10મી તારીખ એટલે કે 10 મોહર્રમના રોજ ઈમામ હુસેને કરબલામાં પોતાના પરિવારના સભ્યો અને અન્ય સાથીદારો મળીને કુલ 72 લોકોએ શહીદી વ્હોરી હતી. જેના કારણે આ દિવસને ‘યૌમ-એ-આશુરા’ પણ કહેવામાં આવે છે.
મોહર્રમ શા માટે મનાવાય છે?…
ઈસ્લામ ધર્મના સૌથી મોટા પયગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર ઈમામ હુસૈન અને હસન, તેમના પરિવાર અને અનુયાયીઓ મળીને કુલ 72 લોકો કરબલામાં યઝીદ શામે લડતા-લડતા શહીદ થઈ ગયા હતા. તેમની યાદમાં મોહર્રમ મનાવામાં આવે છે.
કરબલાની જંગ…
ઈસ્લામમાં એક જ ‘અલ્લાહ’ની ઈબાદત કરવાનું ફરમાન છે. છળ-કપટ, દારૂ, જૂઠ, દગો, વ્યાજખોરી વગેરે ચીજ-વસ્તુઓને ઈસ્લામમાં હરામ ગણાવાઈ છે. ઈસ્લામનો જ્યાંથી ઉદય થયો તે મદીના શહેરથી થોડે દૂર ‘શામ’ નામનો એક દેશ હતો અને મુઆવિયા નામનો તેનો શાસક હતો. મુઆવિયાના મૃત્યુ પછી તેના વારસદાર તરીકે યઝીદ રાજગાદી પર બેઠો. તેનામાં એ તમામ અવગુણ હતા જેના પર ઈસ્લામમાં મનાઈ ફરમાવામાં આવી છે.
યઝીદે રાજગાદી પર બેઠા પછી એવો આદેશ ફરમાવ્યો કે, હઝરત મોહમ્મદ પયગંબરના દોહિત્ર ઈમામ હુસેન તેને ગાદી પર બેસવાને પુષ્ટિ કરે અને તેનું સ્વામિત્વ સ્વીકારે. ઈમામ હુસેને તેને શાસક માનવાનો ઈનકાર કરી દીધો. યઝીદની વાત માનવાનો ઈનકાર કરવાની સાથે જ તેમણે પોતાના નાના મોહમ્મદ સાહેબનું શહેર મદીના છોડવાનો નિર્ણય લીધો. તેમની સાથે તેમનો પરિવાર અને અનુયાયીઓ મળીને 72 જણનો કાફલો લઈને તેઓ કુફા જવા રવાના થયા.
તેઓ કરબલા પહોંચ્યા ત્યારે 1 મોહર્રમનો દિવસ હતો અને યઝીદના લશ્કરે તેમને કરબલાના મેદાનમાં ઘેરી લીધા. યઝીદ પાસે હજારોની સંખ્યામાં લશ્કર હતું, જેની સામે હઝરત ઈમામ હુસેનનો પરિવાર મળીને કુલ 72 અનુયાયીઓ હતા. ઈમામ હુસેન 7 દિવસ સુધી યુદ્ધના ટાળતા રહ્યા. તેમ છતાં યઝીદ માન્યો નહીં. 7 દિવસ પછી ઈમામ હુસેનના કાફલા પાસે જેટલી ભોજન સામગ્રી અને પાણી હતું એ બધું જ ખલાસ થઈ ગયું.
ત્રણ દિવસ સુધી છ મહિનાના બાળકથી માંટીને બધા જ લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા. 10 મોહર્રમના રોજ આખરે યઝીદે યુદ્ધનો લલકાર આપી દીધો. યઝીદના લશ્કર સામે ઈમામ હુસેનના પરિવારના સભ્યો અને અનુયાયીઓ બધા 10 મોહર્રમના રોજ લડાઈમાં શહીદ થયા. આ યુદ્ધમાં ઈમામ હુસેનનો એક પુત્ર હઝરત જૈનુલ આબેદીન જીવતા બચ્યા, કેમ કે તેઓ બીમાર હતા. ત્યાર પછી તેમના થકી જ મોહમ્મદ પયગંબર સાહેબની પેઢી આગળ ચાલી છે.
શિયા સમુદાય માતમ મનાવે છે…
કરબલામાં ઈમામ હુસેન અને તેમના સાથીદારોની શહાદતની યાદમાં મોહર્રમ મનાવાય છે. આ દિવસે શિયા સમુદાયના લોકો 1 મોહર્રમથી 10 મોહર્રમ સુધી કાળા કપડા પહેરીને શોક મનાવે છે અને કરબલાના શહીદોને યાદ કરે છે. 10 મોહર્રમના રોજ તેઓ તાજિયા બનાવીને જુલુસ કાઢે છે અને માતમ મનાવે છે.
સુન્ની મુસ્લિમો રોજા રાખે છે અને ઈબાદત કરે છે…
સુન્ની મુસ્લિમો 9 અને 10 મોહર્રમના દિવસે રોજા રાખે છે અને આખો દિવસ ઈબાદતમાં પસાર કરે છે. એવું કહેવાય છે કે, મોહર્રમના એક રોજાનું પુણ્ય 30 રોજા જેટલું હોય છે. સુન્ની સમુદાયમાં કેટલાક લોકો 1 મોહર્રમથી 10 મોહર્રમ સુધી 10 દિવસના રોજા પણ રાખતા હોય છે. તેઓ 10 મોહર્રમના રોજ કુર્આન પઢે છે, નમાઝ પઢીને ઈબાદતમાં પસાર કરે છે અને કરબલાના શહીદોને ફાતેહા પઢીને તેમની મગફેરતની દુઆ કરે છે.