મધ્યપ્રદેશ તથા ડેમના કેચમેન્ટ એરિયામાં વરસી રહેલાં મુશળધાર વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી એકદમ ઝડપથી વધી રહી છે. બુધવારે પાણીનો આવરો 1.25 લાખ કયુસેક થઇ જતાં ડેમની સપાટી 124.06 મીટર સુધી પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો નોંધાયો છે.મધ્યપ્રદેશમાં વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમના વીજ ઉત્પાદન મથકના 3 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હતાં જેના કારણે સરદાર સરોવરમાં પાણીની આવક થઇ રહી હોવાથી ડેમની સપાટીમાં વધારો થઇ રહયો છે. પણ હાલમાં મધ્યપ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધી જતાં ઓમકારેશ્વર ડેમના 3ના બદલે પાંચ ટર્બાઇન ચાલુ કરી દેવાયાં છે. આ ઉપરાંત ડેમના કેચમેન્ટ એરિયામાં પણ ધોધમાર વરસાદ થઇ રહયો છે જેનાથી સરદાર સરોવરમાં આવતાં પાણીની માત્રા એકદમ વધીને 1.25 લાખ કયુસેક થઇ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો થયો છે.નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી દેવાયાં છે જયારે કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ચાલુ કરી કેનાલમાં પાણી છોડાઇ રહયું છે. ડેમની સપાટી 124.06 મીટર છે જયારે 1.25 લાખ કયુસેક પાણીની આવક સામે 35,959 કયુસેક પાણીની જાવક છે. પાણીની આવક સામે જાવક ઓછી હોવાથી ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ ખાતે 121.92 મીટરની સપાટી બાદ 30 દરવાજા લગાવવામાં આવ્યાં છે. દરવાજા સાથે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.ડેમ અત્યાર સુધીમાં 3 વખત પૂર્ણ સપાટીથી ભરાયો છે. મધ્યપ્રદેશમાં થઇ રહેલાં વરસાદનું પાણી સરદાર સરોવરમાં આવી રહયું છે ત્યારે આ પાણીનો મહત્તમ ઉપયોગ કરી નર્મદા ડેમમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. આ ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને આપવામાં આવે છે. રીવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ હોવાથી નદીમાં પણ નવા નીર આવી રહયાં છે.
ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમની સપાટી 124.06 મીટર
Views: 113
Read Time:2 Minute, 36 Second