ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસે ટ્રાવેલ્સ સંચાલકોને ચીમકી આપતાં કહયું છે કે, ઝાડેશ્વર ચોકડી કે આસપાસના સર્વિસ રોડ કે પછી તવરા જવાના રોડ પર ગમે ત્યાં ઉભી રખાયેલી લકઝરી બસોને જપ્ત કરી લેવામાં આવશે. ભરૂચના તવરા રોડ પર ખાનગી લકઝરી બસોના મોટા ડેપો બની ગયાં છે. ઝઘડિયા અને દહેજ જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાં ચાલતી લકઝરી બસો તવરા રોડના ડેપોમાં અથવા રોડની સાઇડમાં પાર્ક કરી દેવામાં આવે છે જેના કારણે માર્ગ સાંકડો બની જતાં અન્ય વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે.કંપનીના કર્મચારીઓને ઉતારવા માટે બસ ગમે ત્યાં ઉભી કરી દેવામાં આવતી હોવાથી અકસ્માતના બનાવો બનવાની સાથે ટ્રાફિકજામ થઇ જાય છે. ઝાડેશ્વર ચોકડીના ચારેય સર્વિસ રોડ કે તવરા રોડ પર કર્મચારીઓને બેસાડવા કે ઉતારતી વખતે લકઝરી બસ ગમે ત્યાં ઉભી કરી દેવામાં આવશે તો બસને જપ્ત કરી લેવામાં આવશે.ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગના પીઆઇ તડવીએ તમામ ટ્રાવેલ્સ સંચાલકોને આ બાબતની જાણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દહેજ જીઆઇડીસીમાં આવી રહેલાં ઉદ્યોગોના કારણે કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે અને તેના કારણે વાહનોની માગમાં વધારો થતાં ભરૂચ ઉપરાંત રાજયના અન્ય શહેરોમાંથી લકઝરી બસો ભરૂચમાં આવી રહી છે અને બસોની સંખ્યા વધી જતાં ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની છે અને તેના કારણે હવે પોલીસ એકશનમાં આવી છે.
ટ્રાફિકના નિવારણ માટે પોલીસનો નિર્ણય:ઝાડેશ્વર ચોકડીએ ગમે ત્યાં ઉભી કરી દેવાતી લકઝરી બસો જપ્ત કરી લેવાશે
Views: 95
Read Time:1 Minute, 58 Second