ભરૂચ જિલ્લાને કોરોના મુક્ત બનાવવા 100 ટકા વેક્સિનેશન માટે કલેક્ટર દ્વારા માઈક્રો પ્લાનિંગ શરૂ.
ભરૂચ જિલ્લાને કોરોના મુક્ત બનાવવા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને વેક્સિનેસન બાબતે એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સ્વૈચ્છિક, સામાજિક, ધાર્મિક અને વાણિજ્યક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં કલેક્ટરે જિલ્લાને કોરોના મુક્ત કરવા સાથે 100 ટકા વેક્સિનેસન કરીને પ્રજાજનોને સુરક્ષિત કરવાની ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓને વેક્સિનેસન બાબતે રાત્રિ સભા કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા પર ખાસ ભાર મુક્યો હતો. વેક્સિનેસનની કામગીરીમાં માત્ર સરકારી તંત્ર કામ કરે તેના કરતાં દરેક સંસ્થાઓ તેમજ પ્રજાજનોને સહકાર મળે તે ખુબ જ જરૂરી છે. વેક્સિનેશન કેન્દ્રો દર્શાવતી માહિતી અપડેટ કરી પ્રજાજનોને સુરક્ષિત રાખવા કલેક્ટરે સૂચના આપી હતી.
અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોમાં રહેલી ખોટી રીતે ફેલાતી અફવાથી દુર રહેવા માટે પ્રજાજનોને વેક્સિન મુકાવવી જરૂરી હોવાનું અધિકારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓને જણાવ્યું હતું. વેક્સિન કેન્દ્ર દર્શાવતી રોજે રોજની માહિતી અપડેટ કરી માઈક્રો પ્લાનીંગ કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને ખાસ સૂચિત કર્યા હતા. હાલમાં કોરોના નબળો પડતા જિલ્લાના ગ્રામીણજનોને સ્વયં શિસ્ત કેળવવાની અપીલ કરી છે.