ભરૂચમાં 80 કરોડના ફ્લાયઓવર બ્રિજની જાહેરાતના બે વર્ષે પણ DPR નથી બનાવાયો
ભરૂચ શહેરના લીંક રોડ ઉપર શ્રવણ ચોકડી ખાતે છેલ્લા ઘણા સમયથી જરૂરીયાત અને રજૂઆતોને ધ્યાને લઈને ધારાસભ્ય દુષ્યત પટેલે ફ્લાય ઓવર બ્રિજ માટે રાજ્ય સરકારમાં ભલામણ કરતાં બે વર્ષ પૂર્વે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે રૂપિયા 80 કરોડના ખર્ચે આ બ્રિજને લીલીઝંડી આપી દીધી છે.
બે વર્ષથી આ બ્રિજનો ડીપીઆર જ નહીં બનતાં શુક્રવારે નાયબ મુખ્યમંત્રીએ આ બ્રિજ બનાવવા માટેની બીજી વખત જાહેરાત કરી છે. શ્રવણ ચોકડી ઉપર ટ્રાફિકજામની સમસ્યા શહેરીજનો સાથે ઉદ્યોગો, નોકરીયાત , વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે પણ માથાનો દુઃખાવો બની ગઈ છે. ત્યારે બે વર્ષથી લટકતી આ બ્રિજની જાહેરાત બાદ આગામી ચૂંટણી સુધી કામ શરૂ થશે કે પછી હજી લોલીપોપ સાબિત થશે તેના ઉપર હવે લોકોની મીટ મંડાઈ છે. જો આ ફલાયઓવર બ્રિજ બનશે તો શહેરના લોકો માટે ટ્રાફિકજામ ભૂતકાળ બનવા સાથે અકસ્માતના જોખમમાંથી પણ છૂટકારો મળશે.
- ફલાયઓવર બ્રિજ બન્યા બાદ આ વિસ્તારની 4 શાળાનાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કૂલ વર્ધીના વાહનો, કંપનીના વાહનો, નોકરીયાતો, 150 જેટલી સોસાયટીના રહિશો, વાહનચાલકો, નર્મદા ચોકડીથી જંબુસર બાયપાસ થઈને દહેજ જંબુસર જતા રોજિંદા વાહનોને સુવિધા સાથે ફાયદો થવાના હજી સપના જ બતાવવામાં આવી રહ્યાં છે.