મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જન્મના માત્ર 15 કલાકમાં જ નવજાત કોરોનાથી સંક્રમિત થયું છે . આશ્ચર્યની વાત એ છે કે નવજાતની માતામાં સંક્રમણનાં કોઈ જ લક્ષણો નથી , તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે . ડોકટર પણ પરેશાન છે કે આવું કઈ રીતે થઈ શકે છે કે ગર્ભવતી મહિલા સંક્રમિત ન હોવા છતાં નવજાત બાળકને કોરોના થયો હોય પાલઘરના જિલ્લા ચિકિત્સા અધિકારી ડૉ . દયાનંદ એમ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે દર્શેઠ ગામમાં રહેતી મહિલાએ રવિવારે પાલઘરના એક ખાનગી નર્સિંગ હોમમાં બાળકીને જન્મ આપ્યો હતો . જન્મના 15 કલાક બાદ જ તે કોરોના સંક્રમિત થઈ હોવાની પુષ્ટિ થઈ છે . અધિકારીએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં નવજાત કોરોનાવાયરસથી સંક્રમિત થયું હોય તેવો આ પહેલો કેસ છે . આ માસૂમ બાળકી જન્મતાંની સાથે જ કોરોના સામે જંગ લડી રહી છે . ડોકટર્સની એક ટીમ સતત તેની તપાસી રહી છે . તેમણે જણાવ્યું હતું કે બાળકીને જવાહર તાલુકાની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે . મંગળવારે બાળકીમાં સંક્રમણની પુષ્ટિ થઈ , જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે . સત્તાવાર આંકડા મુજબ , પાલઘર જિલ્લામાં સોમવાર સુધીમાં કોવિડ -19 ના 1,09,874 કેસ સામે આવ્યા છે અને સંક્રમણથી 2,066 લોકોનાં મોત થયાં છે .
મહારાષ્ટ્રના અહમદનગરમાં 9 હજાર બાળકો કોરોનાથી સંક્રમિત મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાંથી બાળકો કોરોનાથી સંક્રમિત થયાં હોવાના જે આંકડાઓ સામે આવ્યા છે એ ડરાવનારા છે . અહીં મે મહિનામાં લગભગ 9,900 બાળક કોરોનાથી સંક્રમિત થયા છે . અહમદનગરન ડીએમ રાજેન્દ્ર ભોંસલેએ જણાવ્યું હતું કે મે મહિનામાં જિલ્લામાં કુલ 86 હજાર પોઝિટિવ કેસ આવ્યા છે , પરંતુ વધુ મોત નથી થયાં . રાજેન્દ્ર ભોંસલેએ વધુમાં જણાવ્યું હતું કે જોકે એપ્રિલમાં જે લગ્નો હતાં એમાં 18 વર્ષથી નીચેની ઉંમરના લોકોની ભીડ વધારે હતી . એ બાદ લોકડાઉન દરમિયાન પણ બાળકો રમતાં જોવા મળ્યાં હતાં . તેમની મૂવમેન્ટ રહેતી હતી , તેથી બાળકોની પોઝિટિવિટી રેટ 11 % આવી છે . મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતાં રાજ્યની તમામ હોસ્પિટલોમાં બાળકો માટે વિશેષ રીતે કોરોના વોર્ડની તૈયારીઓ શરૂ કરી દીધી છે . સાંગલી શહેરની હોસ્પિટલમાં બાળકો માટે કોરોના વોર્ડ બનાવવામાં આવ્યા છે . અહીં હાલ 5 બાળક કોરોનાથી સંક્રમિત મળ્યાં છે , જેમની સારવાર ચાલી રહી છે . મહારાષ્ટ્રમાં 80 બાળકો થયા અનાથ દેશના જુદા જુદા વિસ્તારોમાં એવા અનેક કેસ સામે આવ્યા છે , જેમાં કોરોનાથી બાળકોનાં માતા – પિતાનાં મોત નીપજ્યાં હોય કે પછી કોઈ એકનું મોત થયું હોય . NCPCR ના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 29 મે 2021 સુધીમાં 80 બાળકોએ માતા – પિતા છત્રછાયા ગુમાવી છે . તો 716 બાળકો એવાં છે જેમણે માતા – પિતામાંથી કોઈ એકને ગુમાવ્યા હોય.