અમદાવાદ: એ.સી.બી. દ્વારા વર્ષના છેલ્લા દિવસે પણ જ્યારે તમામ લોકો નવા વર્ષના આગમનની તૈયારીઓ અને ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે એક સફળ ટ્રેપ કરતા ચકચાર મચી ગઇ. અમદાવાદ આર.આર. સેલના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલને રૂપિયા ૫૦ લાખની લાંચ લેતા આબાદ ઝડપી પાડ્યો.
આર.આર. સેલમાં નોકરી કરતો પ્રકાશસિંહ રાઓલ આણંદ વિદ્યાનગરના હેવમોર હોકો ઇટરી આઈસ્ક્રીમ પાર્લર ખાતે ૫૦ લાખની લાંચ લેતા ઝડપાયો. આર.આર. સેલ દ્વારા નકલી ખાતરનો મોટો જથ્થો ખંભાત જી.આઈ.ડી.સી માંથી ઝડપયો હતો. જે કેસમાં ફરિયાદીના પિતાને આરોપી નહિ બનાવવા માટે ફરિયાદી પાસેથી ૬૦ લાખ રૂપિયાની માતબર લાંચની માંગણી કરી હતી. અને ભારે રકઝક બાદ રૂપિયા ૫૦ લાખમાં મામલો પતાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.
જે મામલે ફરિયાદીએ એ.સી.બી. માં ફરિયાદ કરતા એસીબી દ્વારા ડેપ્યુટી ડિરેક્ટર એસીબી એન.ડી.ચૌહાણના સુપર વિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.પટણી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી જેમાં વિદ્યાનગરના હેવમોર હોકો ઇટરી આઈસ્ક્રીમ પાર્લરમાં આરોપી પ્રકાશસિંહ રાઓલ રંગે હાથે રૂપિયા ૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. ત્યારે એક કોન્સ્ટેબલ કક્ષાનો કર્મચારી શુ રૂપિયા ૫૦ લાખ જેટલી મોટી રકમની લાંચ માંગી શકે? તે એક ચર્ચાનો વિષય બન્યો છે.