
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા મામલે યુવક સામે ગુનો નોંધાયા બાદ હવે પીડિતાની મોટી બહેને પણ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવકે પ્રેમસંબંધ બાંધી વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાની સગીરા બળાત્કાર ઘટનાના આરોપી સતિષ વસાવાએ આજથી લગભગ એકાદ વર્ષ અગાઉ આ સગીરાની મોટી બહેનને તે પરણેલો અને એક સંતાનનો પિતા હોવા છતાં પોતે કુંવારો છે એમ જણાવીને સદર યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો, તેમજ છેલ્લા સાતેક મહિનાથી ઉપરોક્ત ઇસમે યુવતીના ઘરે રહીને તેના પર અવારનવાર બળાત્કાર ગુજારીને યુવતીને છ માસની ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ હાલમાં થોડા દિવસો પહેલા આ યુવતીની સગીર વયની નાની બહેન પર તેણીને શાળાએ મુકવા જતા રસ્તામાં બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટના બાદ સગીરાની તબિયત બગડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. દરમિયાન ત્યારબાદ બળાત્કારનો ભોગ બનનાર સગીરાની માતાએ ગત તા.27 મી જુલાઇના રોજ નજીકના પોલીસ મથકે સતિષ વસાવા વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી. આ ઘટના બાદ હાલમાં સગીરાની મોટી બહેને પણ આ ઇસમ વિરુધ્ધ પોલીસ ફરિયાદ લખાવતા ચકચાર મચી જવા પામી હતી. એકજ પરિવારની બે સગી બહેનોને હવસનો શિકાર બનાવતા આ ઘટનાના આરોપીને સગીરાની માતાની ફરિયાદ બાદ થોડા દિવસ અગાઉ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધો હતો.