MP થી બસ કે ટ્રકમાં સવાર થઈ ગુજરાતમાં મધરાતે ડુપ્લીકેટ ચાવીથી બાઇકોની ચોરી, પોલીસ સ્ટેશનનું કમ્પાઉન્ડ ભરાય તેટલી બાઇકો જપ્ત
રાજપારડી પોલીસ ભુડવા ખાડી નાળા પાસે ચેકીંગમાં હતી ત્યારે મધ્યપ્રદેશની ટોળકીના 4 સાગરીત 2 બાઇક સાથે પકડાતા આંતરરાજ્ય બાઇક ચોરીનું રેકેટ ખુલ્યું
મધ્યપ્રદેશથી ગેંગ નીકળી ભરૂચ, સુરત સહિત રાજ્યમાં વિવિધ સ્થળે ચા-નાસ્તો કરી છુપાઈ જતી, રાતે 3 વાગે નવી બાઇકો ઉઠાવવા નીકળતી
મધ્યપ્રદેશના અલીરાજપુરના દારજા ગામ નજીક જંગલમાં ગુજરાત માંથી ઉઠાવેલી 31 બાઇકો સાથે 6 આરોપીઓને રાજપારડી પોલીસે ઝડપી પાડી આંતરરાજ્ય વાહનચોર ટોળકીની ગેંગનો પર્દાફાશ કર્યો છે.
રાજપારડી પોલીસે મધ્યપ્રદેશથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ કે ટ્રકમાં સવાર થઈ ગુજરાતમાં આવી મધરાતે ડુપ્લીકેટ ચાવીથી બાઇકોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 6 વાહન ચોરને 31 બાઇકો કિંમત ₹ 7.74 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. રાજપીપળા-અંકલેશ્વર રોડ ઉપર ભુડવા ખાડી નાળા પાસે પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે 2 બાઇક ઉપર 4 ઈસમો આવતા પોકેટ કોપ સહિતની મદદથી આ બાઇકો ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. વધુ પૂછપરછમાં આ 4 સાગરીતો મધ્યપ્રેદશની આંતરરાજ્ય વાહન ચોર ટોળકીના નીકળ્યા હતા.
ટોળકીએ ભરૂચ, સુરત, અમદાવાદ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાંથી 41 જેટલી મોટર સાયકલોની ચોરી કરી પોતાના વતન મધ્ય પ્રદેશના અલીરાજપુર જીલ્લાના દારજા ગામની નજીક આવેલ જંગલમાં છુપાવી રાખેલ હોવાની કબુલાત કરી હતી.નેત્રંગ અને રાજપારડી પોલીસની ટીમોએ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના અંતરિયાળ ડુંગરાળ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી તપાસ દરમ્યાન 31 બાઇકો કબ્જે કરી હતી. ટોળકીના 6 સાગરીતો કિરીટ જમરા, શીલદાર ડોડવા, ગુમાનસિંગ સસ્તિયા, રીકેશ ભૈડિયા, માસિયા સસ્તિયા અને રણછોડ ધારવા તમામ રહે અલીરાજ પુર, મધ્યપ્રદેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટોળકીના 6 સાગરીતો ગુજરાત આવી બાઇક ઉઠાવતા
ટોળકીના 6 આરોપીઓ એમ.પી.માર્ગ પરીવહનની બસ તથા ખાનગી ટ્રકોમાં ગુજરાતમાં સાંજના સમયે આવતા. જે તે ટાઉન વિસ્તારમાં આવી લારી – ગલા ઉપર ચા – નાસ્તો કરી મધ્યરાત્રી સુધી અવાવરૂ જગ્યાએ છુપાઇ જતા. મધ્ય રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ ટાઉન વિસ્તારોમાં નિકળી સારી સારી ગાડીઓ શોધી પોતાની પાસે રહેલ દુપ્લીકેટ ચાવીઓ વડે મોટર સાઇકલોના લોક ખોલી, ચાલુ કરી ચોરી કરી પોતાના વતન મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના દારજા ગામના અંતરિયાળ ડુંગરાળ જંગલ વિસ્તારમાં છુપાવીને રાખી મુકી વેચાણ કરતા હતા