રાજકોટમાં આવેલા વિદ્યાનગર મેઈન રોડ ઉપર અમદાવાદથી વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલા અમદાવાદ આઈ ડિવિઝનના ટ્રાફિક એએસઆઇ સહીત ત્રણને ઇંગ્લિશ દારૂની 72 બોટલ, 5 મોબાઈલ અને બે કાર મળી કુલ 9લાખ 53 હજારના મુદ્દામાલ સાથે રાજકોટ SOG એ ઝડપી લીધા હતા. આ ઘટનાના લીધે પોલીસ બેડામાં રોષની લાગણી ફેલાઈ છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને નાયબ પોલીસ કમિશનર પ્રવીણકુમાર અને નાયબ મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ)ડી.વી. બસીયા અને SOG પીઆઈ આર.વાય.રાવલે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે સંદર્ભમાં SOG ના હેડ.કોન્સ.ભાનુભાઈ મિયાત્રા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન તેઓને બાતમીદારો મારફતે મળેલી બાતમીના આધારે રાજકોટના વિદ્યાનગર રોડ ઉપર અમદાવાદથી વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલા અમદાવાદ ખાતેના આઈ ડિવિઝનના ટ્રાફિક ખાતામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર, અને તેમની સાથે કૃણાલ હસમુખભાઈ શાહ અને મહેન્દ્રસિંહ વૈદને ઝડપી લીધા હતા.
પોલીસે કારમાં છુપાવેલ વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 72 બોટલ દારૂ, 5 મોબાઇલ અને 2 કાર સહીત 9.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા ત્રણેય વિરૃદ્ધ ગુનો નોંધી દારૂની ડિલિવરી કોને દેવા માટે આવ્યા હતા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.