ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામે બે ઇસમોએ ઘર ખાલી કરવાનું કહી એક મહિલા અને તેના પુત્રને માર માર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે. ઝઘડીયા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વંઠેવાડ ગામની લલિતાબેન વસાવા નામની મહિલાએ વીસ વર્ષ અગાઉ પતિ સાથેથી છુટાછેડા લીધા હતા અને હાલ તેમના પુત્ર દિલિપ ઉર્ફે લાલા સાથે વંઠેવાડ ગામે નિશાળ ફળિયામાં રહે છે. ગતરોજ તા.૧૫ મીના રોજ બપોરના એક વાગ્યાના સમયે ફળિયામાં રહેતા ગૌતમ ગોકુળ વસાવા અને વિજય દલસુખ વસાવા તેમના ઘરે આવ્યા હતા અને લલિતાબેનને ઘરની બહાર નીકળવા જણાવ્યું હતું, જેથી લલિતાબેન ઘરની બહાર આવ્યા હતા. ત્યારબાદ આ બન્ને ઇસમો લલિતાબેનને કહેવા લાગ્યા હતાકે તમે ઘર ખાલી કરીને જતા રહો, આ અમારી જગ્યા છે. એમ કહીને એ લોકો ગાળો બોલવા લાગ્યા હતા.લલિતાબેને ગાળો બોલવાની ના પાડતા ગૌતમભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને લોખંડનો સળિયો લલિતાબેનને પગના નળાના ભાગે મારી દીધો હતો. જેને લઇને ચામડી ફાટીને લોહી નીકળવા લાગ્યું હતું. ઉપરાંત ગૌતમની સાથે આવેલ વિજય વસાવાએ પણ લલિતાબેન સાથે ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો. તેમજ પીઠના ભાગે લાકડીના ત્રણ ચાર સપાટા મારી દીધા હતા.તે દરમિયાન લલિતાબેનનો પુત્ર દિલિપ ઉર્ફે લાલો ઘરે આવી જતા આ બન્ને ઇસમોએ દિલિપને ગાળો બોલીને તેને પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત માતા પુત્રને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. ત્યારબાદ લલિતાબેનને વધુ સારવાર માટે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. આ ઘટના બાબતે લલિતાબેન વસાવાએ ગૌતમ ગોકુળ વસાવા તેમજ વિજય દલસુખ વસાવા બન્ને વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે બન્ને ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઝઘડિયાના વંઠેવાડ ગામે ઘર ખાલી કરવાનું કહી મહિલા- પુત્ર પર હુમલો
Views: 68
Read Time:2 Minute, 35 Second