છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં બુટલેગરો અને ગુંડાતત્વો બેફામ બની કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર પોલીસ ઉપર હુમલા કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વડોદરામાં બુટલેગરે પોલીસ ઉપર દારૂ ભરેલી કાર ચડાવી જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. પરંતુ સદનસીબે પોલીસ કોન્સ્ટેબલનો જીવ બચી તો બચી ગયો પરંતુ કારની ટક્કર પગમાં વાગતા પોલીસ કોન્સ્ટેબલ યોગેશ પુરોહિતને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે પોલીસને બાતમી મળી હતી કે, દારૂ ભરેલી કાર વડોદરાથી પાદરા આવવાની છે. જેને લઈને પોલીસ કોન્સ્ટેબલ યોગેશ પુરોહિત બાતમી વાળી જગ્યા એ ગોઠવાઈ ગયા હતા, તે સમયે બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ ત્યાંથી દારૂ ભરેલી કાર લઈ પસાર થતા પોલીસે કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ કાર રોકવાની જગ્યાએ ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલ યોગેશ પુરોહિત ઉપર ચડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. પરંતુ પોલીસ કોન્સ્ટેબલે સમય સુચકતા દાખવી હતી જેના લીધે તેમનો જીવ બચી ગયો હતો, પરંતુ દારૂ ભરેલી કારની ટક્કર પોલીસ કોન્સ્ટેબલના પગના ભાગે વાગી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ પાદરા નગર પાલિકાનો સદસ્ય છે અને સાથે APMC ના ડિરેક્ટર પણ હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે બુટલેગર વિરૃદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે ગુજરાત સરકારે ગુજરાતની પ્રજાની, શાંતિ, સુરક્ષા અને સલામતી માટે રાજ્યની અંદર બુટલેગરો, ભૂમાફિયાઓ, વ્યાજખોરો, અને અશાંતિ ફેલાવનારા ગુનેગારો સામે ગુંડા એક્ટ કાયદો અમલમાં મુક્યો છે. જેથી ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પોલીસતંત્ર ને આવા દુષણખોરો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. છતાં પણ કાયદા કે પોલીસનો ડર ના રહ્યો હોય તેમ ગુંડા તત્વો અને બુટલેગરો ખુદ પોલીસ ઉપર હિચકારા હુમલા કરતા નજરે પડી રહ્યા છે. જે ગુજરાતની પ્રજા માટે ચિંતાનો વિષય બન્યો છે.
અગાઉ રાજકોટમાં બુટલેગર દ્વારા રાજકોટ ક્રાઇમબ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ ઉપર બોલેરો જીપ ચડાવી દઈને જાનથી મારી નાખવાની કોશિષ કરવામાં આવી હતી. જેમાં બહાદુર પોલીસ કોન્સ્ટેબલે પોતાના જીવના જોખમે બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. અને તે બદલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ સ્નેહ ભાદરકાને બહાદુરી પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.
બીજીતરફ ગત મોડી રાત્રે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દારૂડિયા કોન્સ્ટેબલ સુનિલસિંહના હંગામા બાદ દંડા અને પાઇપ વડે માર માર્યો હતો. જેનો વિડીયો વાયરલ થતા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલના હાથની બે આંગળીઓમાં ફેક્ચર થયું હતું અને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.