વાગરા : ચાંચવેલ ગામમાં સાસરિયાઓનો વહુ પર અત્યાચાર, દવા પીવડાવી માર મારવાની ઘટના
વાગરા તાલુકાનાં ચાંચવેલ ગામમાં સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપી માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે.
આજરોજ ચાંચવેલ ગામમાં રહેતા ડેનિયલ તરીકે જાણીતા રિયાઝ નામના વ્યક્તિએ પત્નીને માર માર્યો હતો. મહિલાએ પતિ ડેનિયલ, નણંદ, જેઠ, સાસુ તેમજ ફિરોજા નામની માસી સાસુ દ્વારા પકડીને ઢોર માર મરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ગતરોજ ઘર કંકાસની ઘટના બની હતી. જેમાં સાસરિયા પક્ષ દ્વારા વહુને બેરહમી પૂર્વક માર મરાતા ગંભીર રીતે ઇજાઓ થવા પામી હતી. એટલું જ નહીં મહિલાને દવા પણ પીવડાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટના બાદ મહિલાને 108 ઈમરજન્સી સેવા મારફતે ભરુચ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સાસરિયાઓ દ્વારા ખૂબ જ ત્રાસ અને અત્યાચાર કરવામાં આવી રહ્યો હોવાની વાતથી ચકચાર ફેલાઈ છે. પીડિત મહિલાએ દરેક અત્યાચારીઓના નામ લઈને માર મરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જે સાસરિયા પક્ષના સભ્યોના નામ આવી રહ્યા છે. તેઓ રાજનીતિક બળ ધરાવે છે. માથાભારે વ્યક્તિત્વ ધરાવે છે. મીડિયાના માધ્યમથી અગાઉ પણ ચાંચવેલ ગામમાં દબાણ તેમજ સરકારી જમીન ગૌચરમાં દબાણ કર્યા હોવાના ખુલાસા કરવામાં આવ્યા હતા. બારોબાર જમીનને પોતાના નામે કરવવાની કરતૂત પંચાયતમાં કરી હોવાની વિગતો સપાટી પર આવી હતી. જવાબી કાર્યવાહી કરવામાં પંચાયત લાચાર હોવાની ઘટના મીડિયામાં પ્રસારિત કરવામાં આવી હતી. ત્યારે આજે પોતાની વહુને જ ત્રાસ આપી ઢીકા પાટુનો માર મારી ઘાયલ કર્યાની વિગતો સામે આવતા ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે.