પંજાબના ભઠિંડામાંથી એક હચમચાવી નાંખે તેવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કેટલાક લોકોને રસ્તાના કિનારે આવેલા ખાલી મેદાનમાં 80 વર્ષની એક વૃદ્ધ મહિલા દરિદ્ર અવસ્થામાં મળી આવી હતી. મહિલાના માથામાં કીડા પડી ગયા હતા. NGO અને પોલીસની મદદથી લાકોએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યારે તેના પરિવારની શોધખોળ કરવામાં આવી તો તેના વિશે જાણીને લોકો દંગ રહી ગયા હતા.
વૃદ્ધ મહિલાની જાણકારી મળતા જ NGO અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. તેમણે મહિલાને તરત જ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી. લોકોનું કહેવું છે કે, મહિલા ઘણા દિવસોથી રસ્તાના કિનારે ખુલ્લા મેદાનમાં ઈંટોની ઝૂંપડી બનાવીને રહેતી હતી. લોકોએ જ્યારે મહિલાને જોઈ તો તેમની દયનીય સ્થિતિ જોઈને આંખોમાં આંસૂ આવી ગયા.
સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ તેના પરિવાર વિશે જાણકારી મેળવવામાં આવી, તો જાણવા મળ્યું કે વૃદ્ધ મહિલાના પરિવારમાં બે દીકરાઓ છે અને તે બંને દીકરાઓની સમાજમાં સારી આબરૂ છે. એક દીકરો મોટો સરકારી ઓફિસર છે અને બીજો દીકરો રાજનેતા છે અને તેમ છતાં તેમની માતા રસ્તા પર દયનીય હાલતમાં મળી આવી. ત્યાં સુધી કે તેમની પૌત્રી પણ ક્લાસ વન ઓફિસર છે. જણાવી દઈએ કે, ગત શુક્રવારે NGOએ વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, ત્યારબાદ આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. વાયરલ વીડિયોને જોતા લોકોએ વૃદ્ધ મહિલાના પરિવારની જાણકારી આપી.
ત્યારબાદ વૃદ્ધ મહિલાનો એક દીકરો તેની માતાને પોતાની સાથે ફરીદકોટ લઈ ગયો, પરંતુ સોમવારે સવારે તેમનું મોત થઈ ગયું. ત્યારબાદ ગુપચુપરીતે મહિલાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. મહિલાની પૌત્રી એક પોલીસ ઓફિસર છે, જેને કારણે પોલીસ પણ આ મામલામાં કંઈ બોલવા માટે તૈયાર નથી કે કોઈએ ફરિયાદ પણ દાખલ કરાવી નથી. સાથે જ પરિવારના સભ્યો પણ સવાલોથી બચતા દેખાઈ રહ્યા છે.તો બીજી તરફ વિસ્તારના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આખરે બંને દીકરાઓએ પોતાની માતાને આવી હાલતમાં કઈ રીતે છોડી દીધી. લોકોનું કહેવું છે કે, માતા-પિતા ખૂબ જ મહેનત કરીને પોતાના બાળકોને ભણાવે છે, જેથી વૃદ્ધાવસ્થામાં પણ સારી રીતે જીવન જીવી શકે, પરંતુ જે રીતે આ પરિવારે વૃદ્ધ મહિલાને રસ્તા પર તરછોડી દીધી તે ખૂબ જ દર્દનાક છે.